(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવના માહોલમાં ગણેશભક્તો સુધી સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવા માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા ‘લોકસંવાદ’ અભિયાન હાથ ધરાયુ છે. આ અભિયાન હેઠળ લાલબાગ, ચિંચપોકલી અને ભાયખલાના વિસ્તારમાં વિવિધ ગણેશ મંડળોએ નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન સરકારી કલ્યાણકારી યોજનાઓ, રોજગારની તકો અને સામાજિક જનજાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી.
અભિયાન દરમિયાન અન્ય પછાત બહુજન કલ્યાણ વિભાગ દ્વારા ઓબીસી સમાજ માટે ચલાવવામાં આવતી વિવિધ સરકારી યોજનાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુંબઈ શહેરના ઓબીસી કલ્યાણ વિભાગના સહાયક સંચાલક રવિકિરણ નાઈક અને વિભાગીય માહિતી અધિકારી ધોંડિરામ અર્જુને નાગરિકોને યોજનાઓ, પાત્રતા અને તેના લાભ અંગેની માહિતી આપી હતી.
યુવાનોને રોજગારની તકો મળે તે માટે 29 સપ્ટેમ્બર 2026ના રોજ સમગ્ર મહારાષ્ટ્રમાં 800 રોજગાર મેળાઓનું આયોજન થવાનું છે. ‘પંડિત દીનદયાળ રોજગાર મહાકુંભ મહારાષ્ટ્ર રોજગાર મેળા’ અંગે પણ ગણેશભક્તોને માહિતી આપવામાં આવી હતી. મુંબઈમાં 10 સ્થળોએ યોજાનારા રોજગાર મેળામાં યુવાનોને ભાગ લેવા અને ઉપલબ્ધ રોજગારની વિવિધ તકોનો લાભ લેવાની પણ અપીલ કરવામાં આવી હતી. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી.
આ સાથે ‘નશામુક્ત મહારાષ્ટ્ર’ અને નશીલા પદાર્થ વિરોધી જનજાગૃતિ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. ગૃહ વિભાગ અને સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ અભિયાનો અંગે નાગરિકોને માહિતી પણ આપવામાં આવી હતી. મુંબઈ પોલીસના નશીલા પદાર્થ વિરોધી અભિયાન સાથે જોડાયેલા અધિકારીઓએ પણ નાગરિકોને માર્ગદર્શન આપ્યું હતું.
લોકસંવાદ દરમિયાન ગણેશભક્તોએ સરકારી યોજનાઓને લઈને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા અને અધિકારીઓએ તેમની શંકાઓનું નિરાકરણ કર્યું હતું. યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી પ્રક્રિયા, સંપર્કના સ્થળો અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગણેશોત્સવના માધ્યમથી સરકારી યોજનાઓ, રોજગારની તકો અને સામાજિક જનજાગૃતિના સંદેશા સીધા નાગરિકો સુધી પહોંચાડવાના આ અભિયાનને ભક્તોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.