Mon Oct 12 2026

Logo

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો સાવચેતીનો અભિગમઃ રૂ. 20,974 કરોડ પાછા ખેંચ્યા

2026-09-20 18:38:11
Author: Ramesh Gohil
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો સાવચેતીનો અભિગમઃ રૂ. 20,974 કરોડ પાછા ખેંચ્યા

નવી દિલ્હીઃ વૈશ્વિક અનિશ્ચિતતાઓ, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા કરવામાં આવેલો વ્યાજદરમાં વધારો, બૉન્ડની યિલ્ડમાં વધારો ક્રૂડતેલમાં તેજી અને ડૉલર સામે રૂપિયાની નરમાઈ જેવાં કારણોસર વિદેશી રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા વર્તમાન સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો ભારતીય ઈક્વિટીમાં રૂ. 20,974 કરોડનો ચોખ્ખો બાહ્યપ્રવાહ જોવા મળ્યો છે. 

નોંધનીય બાબત એ છે કે અગાઉ જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં રોકાણકારો ભારતીય બજારમાં પાછા ફર્યા હતા અને અનુક્રમે રૂ. 20,200 કરોડનો અને રૂ. 29,630 કરોડનો આંતરપ્રવાહ જોવા મળ્યા બાદ પુનઃ બાહ્યપ્રવાહ જોવા મળ્યો હોવાનું સીડીએસએલએ આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. એકંદરે સપ્ટેમ્બર મહિનાની અત્યાર સુધીની વેચવાલી સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ વર્ષ 2026માં અત્યાર સુધીમાં ભારતીય ઈક્વિટીમાંથી રૂ. 2.45 લાખ કરોડ પાછા ખેંચ્યા છે, જે વર્ષ 2025નાં કુલ રૂ. 1.66 લાખ કરોડનાં બાહ્યપ્રવાહ કરતાં વધુ છે. 

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન સપ્ટેમ્બર મહિનામાં ગત 18મી સપ્ટેમ્બર સુધી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ ભારતીય ઈક્વિટીમાંથી રૂ. 20,974 કરોડ પાછાં ખેંચ્યા છે. જોકે, પ્રાઈમરી માર્કેટમાં તેઓનું રોકાણ જળવાઈ રહ્યું છે. 

એકંદરે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા કરવામાં આવેલા વ્યાજદરમાં વધારા, બૉન્ડની યિલ્ડમાં વધારો અને ભૂરાજકીય તણાવને કારણે ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા વધારા અને તેને કારણે રૂપિયો નબળો પડતાં જેવાં મુખ્ય ત્રણ કારણોસર ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી રહી હોવાનું ચોઈસ વૅલ્થના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ઑફિસર ધીરજ ગૌરે જણાવ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત સપ્તાહે ફેડરલ રિઝર્વે વ્યાજદર વધારીને 3.75થી 4.00 ટકા કર્યા હોવાથી ભારતીય અને અમેરિકી બૉન્ડ પરની યિલ્ડ વચ્ચેનો તફાવત સંકડાઈ જતા ભારતીય અસ્ક્યામતો પરનું આકર્ષણ ઘટ્યું હતું.

વધુમાં મધ્ય પૂર્વના દેશોનાં તણાવને કારણે ક્રૂડતેલના ભાવ વધીને બેરલદીઠ 100 ડૉલરની ઉપર પ્રવર્તી રહ્યા હોવાથી ફુગાવાની ચિંતા ઉપરાંત ભારતનું આયાત બિલ પણ વધવાની ચિંતા સપાટી પર આવી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે તેલના ભાવ વધવાની સાથે ગત સપ્તાહે ડૉલર સામે રૂપિયામાં છેલ્લા ચાર મહિનામાં સૌથી વધુ તીવ્ર એવા 1.1 ટકાનું ધોવાણ થયું હતું અને એક તબક્કે ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન 96ની સપાટી પણ પાર કરી ગયો હતો. 

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી એ ક્રૂડતેલ અને ડૉલરની તેજીને આભારી હોવાનું ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ ટ્રેકનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને સહ સંસ્થાપક વેદાંત ગુપ્તેએ જણાવતા ઉમેર્યું હતું કે જ્યારે ક્રૂડતેલના ભાવ અને અમેરિકી બૉન્ડની યિલ્ડ વધે ત્યારે માત્ર ભારતમાંથી જ નહીં પણ તમામ ઊભરતી બજારોમાંથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો બાહ્યપ્રવાહ રહેતો હોય છે.

વધુમાં જિઓજીત ઈન્વેસ્ટમેન્ટનાં ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું હતું કે અમેરિકા-ઈરાન વચ્ચેના વિવાદની ક્રૂડતેલના ભાવ પર અસર પડતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના આંતરપ્રવાહ પર પડી છે. ક્રૂડતેલની તેજી અને 10 વર્ષીય બૉન્ડની યિલ્ડ વધીને પાંચ ટકા થતાં ભારતીય ઈક્વિટી અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનાં પ્રવાહ પર નકારાત્મક અસર પડી છે. જોકે, ભારતીય અર્થતંત્રમાં સ્થિરતા અને સારી વળતર વૃદ્ધિનો આશાવાદ હજુ અકબંધ હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

દરમિયાન સમીક્ષા હેઠળના સમયગાળામાં વિદેશી રોકાણકારોનો ડેબ્ટ માર્કેટમાં બાહ્યપ્રવાહ જળવાઈ રહેતાં ફુલ્લી એક્સેસેબલ રૂટ મારફતે રૂ. 10,296 કરોડનું, વોલન્ટરી રિટેન્શન રૂટ મારફતે રૂ. 1817 કરોડનું અને જનરલ રૂટ મારફતે રૂ. 1068 કરોડનું વેચાણ કર્યું હોવાનું આંકડાકીય માહિતીમાં ઉમેર્યું હતું.