નવી દિલ્હીઃ ઑક્ટોબર મહિનામાં મોટા તહેવારો શરૂ થઈ રહ્યા છે. પહેલા નવ દિવસીય નોરતા અને પછી દિવાળી. તહેવારની લાંબી સીઝનમાં તથા દિવાળી વેકેશનમાં ફરવા જવાનું પ્લાનિંગ હોય ને બાય એર જવાનું હોય તો એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. તહેવારની સીઝન શરૂ થાય એ પહેલા જ એર ટિકિટના રેટમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. એવિએશન કંપનીઓએ પોતાની એરલાઈન્સના રેટમાં ત્રણ ગણો વધારો કરી દીધો છે. દેશના મહત્ત્વના રૂટ પર આ વધારો પહેલા લાગુ કરી દેવામાં આવ્યો છે. આની સીધી અસર એર ટ્રાવેલ કરનારા પ્રવાસીઓ પર થશે.આ સમગ્ર ભાવ વધારાને લઈ દેશના વ્યાપારી તથા નાના ઉદ્યોગપતિના સગંઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીએ નાગરિક ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં આ વધી રહેલા ભાડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એવિએશન કંપનીઓની મનમાની
આ પત્રમાં જે તે એવિએશન કંપનીઓ આ મનફાવે એવા ભાડા વધારી રહી છે એના પર કંટ્રોલ કરવા માટેની અપીલ કરી છે. એવિએશન કંપનીઓની મનમાની પર રોક લગાવવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત તહેવારની સીઝનમાં વિમાનમાં બેસીને જવાનું મધ્યમવર્ગનું સપનું સપનું ન રહે એનો પણ ખ્યાલ રાખવા માટેની અપીલ કરી છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના ચેરમેન બૃજેશ ગોયલે જણાવ્યું હતું કે, રીસર્ચમાંથી એ વાત સામે આવી છે કે, કેટલાક દિવસ પહેલા એર ટિકિટ સસ્તી હતી હવે તહેવાર નજીક આવતા ભાડું રાતોરાત વધારી દેવામાં આવ્યું છે.
હવે ટિકિટના રેટ ત્રણ ગણા કરી દેવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ઈન્ડિગો, એરઈન્ડિયા સહિતની એર એવિએશન કંપનીઓએ 100 ટકાનો ટિકિટનો ભાવ વધારો ઝીંકી દીધો છે. આના કારણે નાના ઉદ્યોગપતિ અને મધ્યમ વર્ગ કે જે દિવાળીમાં વિમાનમાં જવાનું પ્લાનિંગ કરે છે એની કમર તૂટી છે. તહેવારમાં લોકો એર ટ્રાવેલ કરીને ફરવાનો પ્લાન કરતા હોય છે પણ ટિકિટમાં વધારો થતા હવે દરેકના ખિસ્સાને આ પરવડે એવું નથી. આ ખરેખર તો એવિએશન કંપનીઓની મનમાની છે.
ક્યા રૂટનું કેટલું ભાડું?
દિલ્હી અને મુંબઈ વચ્ચેના આવવા-જવાના (રાઉન્ડ-ટ્રિપ) હવાઈ ભાડામાં વધારો થયો છે. અગાઉ જે ભાડું ₹10,000 હતું, તે હવે ₹18,000 થી ₹25,000 સુધી પહોંચ્યું છે. દિલ્હી-અમદાવાદ રૂટનું ભાડું અગાઉ ₹10,000 થી ₹12,000 હતું, જે હવે વધારીને ₹18,000 થી ₹20,000 કરવામાં આવ્યું છે. દિલ્હી-બેંગલુરુ રૂટનું ભાડું, જે પહેલાં ₹12,000 થી ₹15,000 હતું, તે હવે વધીને ₹30,000 થી ₹35,000 થઈ ગયું છે.
તે જ રીતે, દિલ્હી-કોલકાતા રૂટનું ભાડું ₹11,000 થી વધીને ₹20,000 થઈ ગયું છે. ઇન્ડિગોએ શિશુઓ (3 દિવસથી 2 વર્ષની વયના) માટેની ફી પણ ₹2,000 થી વધારીને ₹3000 કરી દીધી છે, ભલે તેમને અલગથી કોઈ સીટ ફાળવવામાં આવતી ન હોય. ગોયલે જણાવ્યું હતું કે, ઉડ્ડયન ક્ષેત્રના ડેટાની માહિતી આપતી સંસ્થા OAG અનુસાર, માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ એરલાઇન્સે તેમની સ્થાનિક ક્ષમતામાં 5.6%નો ઘટાડો કર્યો હતો.
સીટ ન મળે છતા પૈસા પૂરા લેવાના
બજારના 90%થી વધુ હિસ્સા પર વર્ચસ્વ ધરાવતી હોવા છતાં, ઇન્ડિગોએ સીટ ક્ષમતામાં 4.5% અને એર ઇન્ડિયાએ 8.8%નો ઘટાડો કર્યો છે. તહેવારોની મોસમ દરમિયાન ભાડાંમાં વધારો કરવાની સાથે સીટની ઉપલબ્ધતા ઘટાડવી એ મુસાફરોની આર્થિક લૂંટ સમાન છે. CTIએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તેઓ તાત્કાલિક એરલાઇન્સ પર લગામ કસે અને હવાઈ ભાડાં ઘટાડવા માટે તેમના પર દબાણ લાવે. તહેવારની સીઝનમાં ફ્લાીટના ભાડામાં વધારો એ કોઈ નવી વાત નથી. આ પહેલા પણ ડિસેમ્બરમાં ક્રિસમસ સીઝનમાં અને દિવાળી નજીક આવતા ભાડામાં તોતિંગ વધારો ઝીકીને કમાણી કરી લેવામાં આવે છે.