Sat Sep 05 2026

Logo

નાલાસોપારામાં જુલૂસના માર્ગમાં બોગસ નંબર પ્લૅટવાળી કારે પોલીસનું ટેન્શન વધાર્યું

2026-08-30 09:57:07
Author: Yogesh C. Patel
નાલાસોપારામાં જુલૂસના માર્ગમાં બોગસ નંબર પ્લૅટવાળી કારે પોલીસનું ટેન્શન વધાર્યું

AI Generated Image


(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: નાલાસોપારામાં ઈદ-એ-મિલાદમાં નીકળતા જુલૂસના માર્ગ પર પેટ્રોલિંગ દરમિયાન મળી આવેલી બોગસ નંબર પ્લૅટવાળી કારે પોલીસનું ટેન્શન વધારી દીધું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ બુધવારે ઈદનું જુલૂસ નીકળવાનું હતું. તે પહેલાં વિરાર ટ્રાફિક વિભાગના અધિકારીઓ જુલૂસના માર્ગ પર પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. વસઈ ફાટા, સોપારા ફાટા, ધાનીવ બાગ અને વાકણપાડા પરિસરમાં આડેધડ પાર્ક કરાયેલાં વાહનો પર કાર્યવાહી કરી માર્ગ મોકળો કરવાની કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી.

નાલાસોપારા પૂર્વમાં વાકણપાડા ખાતે પેટ્રોલિંગ ટીમ બપોરે 12 વાગ્યે પહોંચી ત્યારે અધિકારીઓની નજર ત્યાં પાર્ક કરાયેલી ઑરેન્જ કલરની બ્રેઝા કાર પર પડી હતી. જુલૂસ માટે અડચણરૂપ જણાતી એ કારને ખસેડવા પોલીસે નંબર પ્લૅટને આધારે તેના માલિકની વિગતો પ્રાપ્ત કરી હતી.

ઑરેન્જ બ્રેઝા કાર રાયગડના ગવ્હાણ ખાતે રહેતી આફરીન શેખના નામે રજિસ્ટર્ડ હોવાનું જણાયું હતું. પોલીસે આફરીનનો સંપર્ક સાધતાં તેની કાર ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જે વ્યક્તિને કાર ચલાવવા આપી હતી તે કાર સાથે રફુચક્કર થઈ ગયો હતો. એ વ્યક્તિનો મોબાઈલ સ્વિચ ઑફ્ફ આવતો હોવાથી આફરીને ઉરણ પોલીસમાં ફરિયાદ કરી હતી. જોકે નવાઈની વાત એ હતી કે આફરીનની બ્રેઝા કાર ઑરેન્જ નહીં, પણ સફેદ કલરની હતી.

શંકાને પગલે પોલીસે તપાસ હાથ ધરતાં વસઈના વાલિવ ખાતે રહેતા અફઝલ ચૈધરીએ એ કાર તેની હોવાનો દાવો કર્યો હતો. પોલીસે કારને અનલૉક કરી ચેસીસ નંબરને આધારે ચકાસણી કરી તો કારનો નંબર પ્લૅટ બોગસ હોવાની આંચકાજનક જાણકારી મળી હતી. કારનો માલિક નીતિન માંજરેકર બોરીવલીમાં રહેતો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

આ પ્રકરણે ટ્રાફિક પોલીસની ફરિયાદને આધારે પેલ્હાર પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ આરોપી અફઝલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પેલ્હાર પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.