(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવ નજીક આવી ગયો છે અને મુંબઈના મોટાભાગના ગણેશમંડળો પોતાની ગણેશમૂર્તિને લઈ જવાનું શરૂ કરી દીધું છે પણ મુંબઈના રસ્તા પરના ખાડાઓએ મંડળોની ચિંતામાં વધારો કર્યો છે. મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશ આગમન અને વિસર્જનના રૂટ પર આવતા રસ્તાઓને ખાડામુક્ત કરવાનું આશ્ર્વાસન આપ્યું હતું પણ તે ફક્ત કાગળ પર જ રહ્યું હોઈ ઑગસ્ટ મહિનામાં રસ્તા પર લગભગ ૪,૨૧૭ ખાડાઓની ફરિયાદ નોંધાઈ હતી.
ઓછું હોય તેમ ગણેશોત્સવ નજીક આવવાની સાથે જ મુંબઈમાં ફરી વરસાદનું આગમન થયું હોઈ ખાડા પડવાનુું પ્રમાણ વધવાની શકયતા નિર્માણ થઈ છે ત્યારે બૃહનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ રસ્તા પરના ખાડાઓની સંખ્યાને જોતા ભૂલેશ્ર્વરચા રાજાની દુર્ઘટના જેવું પુનરાર્વતન થાય નહીં તેની ચિંતા સતાવી રહી છે.ભૂલેશ્ર્વરમાં બાવીસ ફૂટની ગણેશમૂર્તિ પડીને બેનાં મૃત્યુ થયાં બાદ ગણેશમૂર્તિના આગમન અને વિસર્જન રૂટ પરના રસ્તાઓની ચિંતા ગણેશમંડળોને સતાવી રહી છે.
પાલિકાએ રસ્તા પરના ખાડા પૂરવાની શરૂઆત કરી દીધી હોવાનો દાવો કર્યો છે, છતાં જે મુંબઈ શહેર કરતા મુંબઈ ઉપનગરમાં હજી પણ મોટાભાગના રસ્તાઓ પર મોટી સંખ્યામાં ખાડાઓ હોવાની ફરિયાદ ઉપનગરના ગણેશમંડળોએ બૃહનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિ સમક્ષ કરી છે. મુંબઈના મોટાભાગના મંડળોની મોટી મૂર્તિઓ લગભગ મંડપમાં આવી ગઈ છે અને અમુક મંડળો પોતાની ગણેશ મૂર્તિઓ રવિવાર, ૨૯ ઑગસ્ટના લાવવાના છે. કારખાનામાંથી ખાડાવાળા રસ્તા, ગમે ત્યાં પાર્ક કરેલાં વાહનો, સ્પીડ બ્રેકર અને રસ્તા પરના અતિક્રમણને કારણે સાંકડા રસ્તા પરથી મોટી મૂર્તિઓને સુરક્ષિત રીતે મંડપમાં લઈ જવામાં મંડળોને નાકે દમ આવી ગયો છે.
પાલિકાના આંકડા મુજબ ઑગસ્ટ મહિનામાં ૪,૨૧૭ ખાડાઓની ફરિયાદ આવી હતી, તેમાંથી મોટાભાગના ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે. જોકે ગણેશમંડળોના દાવા મુજબ રસ્તા પર મોટી સંખ્યામાં હજી પણ ખાડા છે. તેમાં પાછું મેઘરાજા ફરી દસ્તક દેવાના હોવાની હવામાન વિભાગની આગાહીને પગલે આગામી દિવસોમાં રસ્તા પર ખાડા વધવાની શકયતા છે. તેથી વિધ્નહર્તાના આગમન સમયે તો રસ્તા પર ખાડા હતા પણ તેમના વિસર્જન સમયે પણ રસ્તા પર ખાડા રહ્યા તો મુશ્કેલી વધી જશે એવી ચિંતા ગણેશ મંડળોને સતાવી રહી છે.
બૃહનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ ઍડ. નરેશ દહિબાવકરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે રસ્તા પરના ખાડાને કારણે ભૂલેશ્ર્વર જેવી દુર્ઘટના થાય નહીં તેની ચિંતા અમને પણ છે. જોકે એકાદ બે કિસ્સાને છોડીને મુંબઈના મોટાભાગના મંડળોની ગણેશમૂર્તિ મંડપમાં આવી ગઈ છે. અમે ગણેશોત્સવ પહેલા જ પાલિકાની સાથે જ મુખ્ય પ્રધાન સમક્ષ રસ્તા પરના ખાડાઓ, ઝાડની લટકતી ડાળખી, યૂટિલિટીઝ વાયરોની સમસ્યા પ્રત્યે ધ્યાન દોર્યું હતું અને તેઓએ આશ્ર્વાસન પણ આપ્યું હતું પણ હજી પણ રસ્તાઓ પર મોટી સંખ્યામાં ખાડા છે, તેમાં પણ મુંબઈ શહેરની સરખામણીમાં ઉપનગરમાં રસ્તાની હાલત ખરાબ છે. શનિવારે જ ઘાટકોપર, ભાંડુપ અને કાંદિવલી જેવા વિસ્તારના મંડળોએ સમિતિ સમક્ષ રસ્તાના ખાડા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. ગણેશમૂર્તિનું આગમન તો ખાડાવાળા રસ્તા પર થઈ ગયું છે પણ હવે વિસર્જન સુધી રસ્તા પરના ખાડાઓ પૂરી દેવામાં આવે એવી અમે ફરી પાલિકા સમક્ષ રજૂઆત કરી છે.
AI Generated Images