અમદાવાદઃ ગાંજો, હેરોઈન સહિતના નશાયુક્ત પદાર્થો અન્ય દેશમાંથી લાવનારાઓમાં મહિલાઓની સંખ્યા વધતી જાય છે ત્યારે ગેરકાયદે સોનું લાવતી મહિલા પેસેન્જર પણ મોટા પ્રમાણમાં કસ્ટમ્સના હાથે ઝડપાઈ રહી છે. એક વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પર 15 મહિલાને પકડવામાં આવી છે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.
શહેરના એરપોર્ટ ઉપર જુલાઈ 2025થી ઓગસ્ટ 2026 સુધીના સમયગાળા દરમિયાન 15 જેટલી મહિલા દાણચોરી કરતા એરપોર્ટ કસ્ટમના અધિકારીઓએ ઝડપી પાડી છે. અમદાવાદ એરપોર્ટ ઉપર અબુધાબીથી અમદાવાદ આવેલી એક મહિલા પેસેન્જર પાસેથી રૂ. 34.29 લાખના ગોલ્ડ બિસ્કીટ મળ્યા હતા. આ ગોલ્ડ બિસ્કીટ તેને બુરખાની અંદર છુપાવ્યા હતા, બનાસકાંઠાના પાલનપુર જિલ્લામાં અલ મદીના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામથી બિઝનેસ કરતા મોહમ્મદ અશરફ નામના ટ્રાવેલ એજન્ટના માલિકને રૂ. એક કરોડ 70 લાખના સોનાના દાગીના સાથે ઝડપી લેવાયો હતો આ ટ્રાવેલ એજન્ટ 17 મહિલાને લઈને મદીનાના પ્રવાસે ગયો હતો અને ત્યાંથી જીયાઉદ્દીન નામના માણસે દાગીના આપ્યા હતા.
આ દાગીના આઠ મહિલા પેસેન્જરને આપીને દાણચોરી કરાવવામાં આવતી હતી. એટલું જ નહીં મહેસાણાના લીચ ગામના રહેવાસી ટ્રાવેલ એજન્ટ કિરીટ પટેલ અને તેના સાગરિત પંકજ પટેલને પણ રૂ. એક કરોડ 14 લાખના દાગીના સાથે ઝડપી લીધા હતા. આ સોનાના દાગીના 10 પેસેન્જર લઈને આવ્યા હતા તેમાં પણ મહિલાઓનો સમાવેશ થાય છે, ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ વડોદરાની નિર્મલા ગૌસ્વામી રૂ. 35 લાખની બે ગોલ્ડ કેપ્સુલ અને રાજસ્થાનની રહેવાસી મહિલા શિખા દુગડ પણ રૂ. 35 લાખના દાગીના સાથે પકડાઈ હતી. 26 ઓગસ્ટ 2026 ના રોજ ત્રણ ફ્લાઈટમાં આવેલી અલ્પા, નાઝનીન અને સૈયદા નામની મહિલાઓ પકડાઈ હતી. તે પહેલા ભાવનગરની ડોક્ટર યુવતી રૂ. 83 લાખ ની 24 કેરેટની સોનાની ચેન પહેરીને આવતા પકડાઈ ગઈ હતી.