Fri Sep 04 2026

Logo

દિવાળીમાં મ્હાડા આપશે ભાડાના ઘરો માટે નવા પોર્ટલની ભેટ દલાલોની ઝંઝટથી હવે મુક્તિ આપશે મ્હાડા

2026-08-29 18:24:09
Author: Mumbai Samachar Team
દિવાળીમાં મ્હાડા આપશે ભાડાના ઘરો માટે નવા પોર્ટલની ભેટ દલાલોની ઝંઝટથી હવે મુક્તિ આપશે મ્હાડા

મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ભાડાના મકાનોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. ભાડાના મકાનોના વિતરણ અને ભાડે આપવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે મ્હાડા દ્વારા ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પોર્ટલ દિવાળીમાં લોન્ચ કરવાની યોજના છે. પોર્ટલ શરૂ થયા બાદ ભાડે મકાન આપવાની અને લેવાની પ્રક્રિયા ઓનલાઈન થઈ શકશે અને નાગરિકોને દલાલોની ઝંઝટમાંથી મુક્તિ મળવાની શક્યતા છે. 

મુંબઈ મહાનગર પ્રદેશમાં હાલમાં આશરે ૨૫ ટકા એટલે કે ૧૪ લાખ ૧૨ હજાર પરિવારો ભાડાના મકાનોમાં રહે છે. નીતિ આયોગના અહેવાલ મુજબ મુંબઈ, પુણે, નાશિક અને નાગપુર જેવા શહેરોમાં નવી પેઢી પોતાના મકાનની સરખામણીએ ભાડાના મકાનમાં રહેવાનું વધુ પસંદ કરી રહી છે. ભાડાના મકાનની વધતી માંગ વચ્ચે ભાડૂત અને મકાનમાલિક સાથે છેતરપિંડી તથા દલાલો દ્વારા આર્થિક હેરાનગતિના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આ ઓનલાઈન વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. 
 
પોર્ટલ તૈયાર કરવાની જવાબદારી મ્હાડાને સોંપવામાં આવી હતી. મ્હાડાએ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસને પોર્ટલ તૈયાર કરવાનો  આદેશ આપ્યો છે. મ્હાડાના ઉપાધ્યક્ષ સંજીવ જયસ્વાલે જણાવ્યું હતું કે આ આદેશ જારી થતાં જ પોર્ટલ તૈયાર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને આશરે બે મહિનામાં પોર્ટલ બનીને તૈયાર થઈ જશે. 

નવા પોર્ટલ પર મકાન ભાડે આપવાથી લઈને ભાડે લેવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવાની યોજના છે. પોલીસ સહિત જરૂરી વિવિધ ‘નો ઓબ્જેશન સર્ટિફિકેટ’ પણ પોર્ટલ મારફતે મેળવી શકાશે. આ ઉપરાંત ભાડાની વસૂલાત પણ ઓનલાઈન પદ્ધતિથી કરી શકાશે. ભાડા કરાર સહિતની પ્રક્રિયા એક જ પ્લેટફોર્મ પર થવાથી માનવીય હસ્તક્ષેપ ઘટશે અને ભાડૂત તથા મકાનમાલિક બંનેને સુવિધા મળશે. 
 
મ્હાડાના જણાવ્યા મુજબ, પોર્ટલ કાર્યરત થયા બાદ ભાડાના મકાનના વ્યવહારમાં દલાલોની ભૂમિકા ઘટશે અને છેતરપિંડીના બનાવોને અંકુશમાં લાવવામાં મદદ મળશે. ભાડાના મકાનો માટે અલગ નીતિ અને ઓનલાઈન પોર્ટલ લાગુ કરનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય બનશે એવો પણ મ્હાડાનો દાવો છે. હવે પોર્ટલ તૈયાર થવાની સાથે ભાડાના મકાનો અંગેની નીતિને સરકારની મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે.