મુંબઈ: ગાંધી જયંતીના દિવસે બીજી ઓક્ટોબરે શિવાજી પાર્ક ખાતે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) દ્વારા પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને મુંબઈના દાદર રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર કરવાની સંભાવનાને પગલે રેલવે તંત્રએ એડિશનલ કર્મચારીઓ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના જવાનોને તહેનાત કર્યા છે.
દાદર સ્ટેશન વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવે બંને નેટવર્કનો મહત્વપૂર્ણ હિસ્સો છે અને દેશના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાં તેની ગણના થાય છે. શિવાજી પાર્કની સૌથી નજીકના મુખ્ય રેલવે સ્ટેશનોમાં દાદરનો સમાવેશ થાય છે. તેથી પ્રસ્તાવિત વિરોધને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર સુરક્ષા અને મુસાફરોની વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે દાદર સ્ટેશન પર આશરે 40 એડિશનલ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે, જેમાં આરપીએફના જવાનોનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ, પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે સ્ટેશન પર 50 વધુ કર્મચારીઓ અને આરપીએફના જવાનોની ડ્યૂટી લગાવવામાં આવી છે.
સીજેપીના સ્થાપક અભિજીત દિપકેએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતીના દિવસે વિરોધ પ્રદર્શન કરશે. આ વિરોધ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે યોજાવાનો છે. પાર્ટીએ મતદાર યાદીઓની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓનો આક્ષેપ કર્યો છે.
જોકે, મુંબઈ પોલીસે આ પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને પરવાનગી આપી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, શિવાજી પાર્કમાં જાહેર સભા અને મેળાવડા અંગે લાગુ પડતા પ્રતિબંધો, જરૂરી નાગરિક પરવાનગીનો અભાવ તેમ જ ટ્રાફિક અને ઇમરજન્સી વાહનોની અવરજવર અંગેની ચિંતાઓને કારણે મંજૂરી આપવામાં આવી નથી.