Fri Oct 02 2026

Logo

પાવર ઓફ મસલ મેમરીઃ હુમલામાં ઘાયલ થયા પછી પણ કેપ્ટન સ્મિતે પરિસ્થિતિ કઈ રીતે સંભાળી?

2026-10-01 21:28:39
Author: Mumbai Samachar Team
પાવર ઓફ મસલ મેમરીઃ હુમલામાં ઘાયલ થયા પછી પણ કેપ્ટન સ્મિતે પરિસ્થિતિ કઈ રીતે સંભાળી?

મુંબઈ: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ઉડાનને મોટી દુર્ઘટનાથી બચાવનારા ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છરની ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા પાછળ તેમની તાલીમ અને ‘મસલ મેમરી’ની ભૂમિકા રહી હોવાનું તેમના મિત્ર અને પાડોશી તબીબ જિનિત શાહે જણાવ્યું છે. સહ-પાઈલટના હુમલામાં ઘાયલ થયા બાદ પણ સ્મિતે પરિસ્થિતિ સંભાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સ્મિતના પરિવારના પાડોશી ડૉક્ટર જિનિત શાહે તેમને દયાળુ, પરિપક્વ અને જવાબદાર વ્યક્તિ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સ્મિત તાજેતરમાં દુબઈ સ્થાયી થયા હોવાથી તેમના નિયમિત સંપર્કમાં નહોતા, પરંતુ તેઓ જ્યારે પણ માતા-પિતાને મળવા મુંબઈ આવતા ત્યારે તેમની સાથે વાતચીત થતી હતી.

શાહના જણાવ્યા મુજબ સ્મિત એક પ્રેમાળ પિતા છે અને તેમના પરિવારમાં બે બાળકો સહિત ચાર સભ્યો છે. તેમણે કહ્યું હતું કે સ્મિત ઝડપી નિર્ણયો લેવામાં સારા છે. તેઓ પાઈ લટોને તાલીમ પણ આપે છે અને પોતાની એકેડેમી ધરાવે છે. આવી તાલીમના કારણે કટોકટીની સ્થિતિમાં શું કરવું તેની તેમને સારી જાણકારી હોવાની શક્યતા છે.

શાહે જણાવ્યું હતું કે વારંવારની તાલીમ અને અભ્યાસથી વિકસતી ‘મસલ મેમરી’ના કારણે સ્મિતને હુમલામાં ઘાયલ થયા બાદ પણ જરૂરી શારીરિક પ્રક્રિયાઓ ઝડપથી કરવામાં મદદ મળી હોઈ શકે છે. ‘મસલ મેમરી’ એટલે વારંવારના અભ્યાસ અને તાલીમથી કોઈ શારીરિક ક્રિયા વિચાર કર્યા વિના આપમેળે કરવાની ક્ષમતા. શાહના મતે આ ક્ષમતાએ સ્મિતને પરિસ્થિતિ સંભાળવામાં મદદ કરી હોઈ શકે છે અને ૧૭૪ લોકોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોઈ શકે છે.

કેપ્ટન સ્મિત મચ્છરની હિંમતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી છે. મોદીએ સોશિયલ મીડિયા પર સ્મિતને ‘હીરો’ ગણાવતાં જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે અન્ય લોકોના જીવ બચાવવા માટે અદમ્ય હિંમત અને દૃઢ સંકલ્પ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતને કેપ્ટન મચ્છર પર ગર્વ છે.