અમદાવાદઃ વડોદરાના વાઘોડિયાના ગુતાલ ગામે એક ખેતરમાં આવેલી ઓરડીમાંથી મહિલાનો સળગેલી હાલકમા મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલા લક્ષ્મીબેન રોહિત હોવાનું ખૂલ્યું હતું. મહિલા નોકરી માટે ઘરેથી નીકળી હતી, પરંતુ પરત ન આવતાં તેનાં પુત્રએ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આ મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
તપાસમાં મહિલા એક પુરષ પાછળ બાઈક પર બેસી જઈ રહી હોવાનું સીસીટીવી દ્વારા જાણવા મળ્યું હતું. આ બાઈક વિષ્ણુ મકવાણા નામના વ્યક્તિનું હોવાનું જાણવા મળતા પોલીસે તેને પકડ્યો હતો. વિષ્ણુએ પોલીસ પૂછપરછમાં પોતે જે મહિલાની હત્યા નિપજાવ્યાનું કબૂલ્યું હતું.
આ અંગે મળતી વિગતો અનુસાર અગાઉ મહિલા અને આરોપી સાથે નોકરી કરતા હતા અને તેમના વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે તેમના વચ્ચે ખટપટ પણ ચાલ્યા કરતી હતી. દરમિયાન તેઓ ગુતાલ ગામના ખેતરમાં મળ્યા ત્યારે મહિલાને અન્ય કોઈ વ્યક્તિનો ફોન આવતા વિષ્ણુ ગુસ્સે થયો હતો અને તેણે ધારિયાથી મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
ત્યારબાદ તે પરત આ જગ્યાએ આવ્યો અને મહિલાનાં મૃતદેહને સળગાવી દીધો હતો. પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે આરોપી પર અગાઉ 12 ગુના નોંધાયેલા છે. પોલીસ હવે આ કેસમાં આગળ કાર્યવાહી કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર