મુંબઈ: મુંબઈ ઉપનગર જિલ્લાના પશ્ચિમ ઉપનગરના ૧૫ વિધાનસભા મતવિસ્તારોમાં એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન ૧૫ લાખથી વધુ મતદારોની ચકાસણી પૂર્ણ થઈ નથી. કુલ ૪૫ લાખ ૭૨ હજાર ૩૭૮ મતદારોમાંથી ૩૦ લાખ ૩૭ હજાર ૫૦૭ મતદારોની ચકાસણી પૂર્ણ થઈ છે, જ્યારે ૧૫ લાખ ૬૮ હજાર જેટલા મતદારો હજુ ચકાસણી બહાર છે. આ મતદારોમાં ગુમ થયેલા, મૃત્યુ પામેલા અને સ્થળાંતરિત મતદારોનો સમાવેશ થાય છે. આ મતદારો ‘અન-કલેક્શન’ યાદીમાં જતા રહ્યા હોવાથી તેમની મતદાર યાદીમાંથી બહાર થવાની શક્યતા વધુ છે.
મલાડ પશ્ચિમમાં ચકાસણી બહાર રહેલા મતદારોનું પ્રમાણ સૌથી વધુ ૩૮.૬૦ ટકા છે. ત્યારબાદ વર્સોવામાં ૩૮.૫૧ ટકા, બાંદ્રા પશ્ચિમમાં ૩૭.૯૯ ટકા, ગોરેગાંવમાં ૩૬.૪૭ ટકા, અંધેરી પશ્ચિમમાં ૩૬.૪૬ ટકા અને દિંડોશીમાં ૩૫.૪૭ ટકા મતદારોની ચકાસણી થઈ નથી. બાંદ્રા પૂર્વમાં ૩૪.૪૭ ટકા, કાંદિવલી પૂર્વમાં ૩૩.૬૯ ટકા અને ચારકોપમાં ૩૨.૯૧ ટકા મતદારો ચકાસણી બહાર છે. જ્યારે બોરીવલીમાં સૌથી ઓછા ૨૫.૬૨ ટકા મતદારો ચકાસણી બહાર હોવાનું સામે આવ્યું છે.
વર્સોવામાં ૧ લાખ ૧૪ હજાર મતદારોની ચકાસણી થઈ નથી. અહીં વિજેતા ઉમેદવારની બહુમતી માત્ર ૧,૬૦૦ મત હતી. એટલે ચકાસણી બહાર રહેલા મતદારોની સંખ્યા વિજેતાને મળેલા બહુમતી મત કરતાં ૭૧.૨૫ ગણી છે. જોગેશ્વરી પૂર્વમાં ૧,૫૪૧ મતની બહુમતી સામે ૯૧ હજાર ૪૩૭ મતદારો ચકાસણી બહાર છે, જે બહુમતી કરતાં ૫૯.૩૬ ગણા છે. મલાડ પશ્ચિમમાં આ પ્રમાણ ૨૨.૭૬ ગણું, દિંડોશીમાં ૧૮.૨૪ ગણું, બાંદ્રા પૂર્વમાં ૭.૬૯ ગણું, બાંદ્રા પશ્ચિમમાં ૫.૫૬ ગણું અને અંધેરી પશ્ચિમમાં ૫.૪૨ ગણું છે.
પશ્ચિમ પરાંના ૧૫ વિધાનસભા મતવિસ્તારોમાં વિજેતા ઉમેદવારોની બહુમતીનો કુલ આંકડો ૫ લાખ ૪૭ હજાર ૯૬૩ છે, જ્યારે ચકાસણી ન થયેલા મતદારોની સંખ્યા ૧૫ લાખ ૩૪ હજાર ૮૭૧ છે. એટલે કે ચકાસણી બહાર રહેલા મતદારોની સંખ્યા સંયુક્ત ચૂંટણીમાં મળેલા બહુમતીના મત કરતાં લગભગ ત્રણ ગણી છે. મલાડ પશ્ચિમમાં ૧,૪૧,૬૬૭, ગોરેગાંવમાં ૧,૨૨,૯૬૪, દિંડોશીમાં ૧,૧૨,૮૦૮, વર્સોવામાં ૧,૧૪,૦૦૦, બાંદ્રા પશ્ચિમમાં ૧,૧૦,૭૮૧, ચારકોપમાં ૧,૦૬,૯૫૦ અને અંધેરી પશ્ચિમમાં હજી સુધી ૧,૦૬,૧૭૨ મતદારો ચકાસણી બહાર છે.