Fri Sep 04 2026

Logo

મહારાષ્ટ્રમાં MBBS પ્રવેશ બન્યો મુશ્કેલ: તમામ કેટેગરીમાં 'કટ-ઓફ માર્ક' વધ્યા

2026-08-31 20:09:31
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રમાં MBBS પ્રવેશ બન્યો મુશ્કેલ: તમામ કેટેગરીમાં 'કટ-ઓફ માર્ક' વધ્યા

પ્રતીકાત્મક તસવીર


મુંબઈઃ મહારાષ્ટ્રમાં આ વર્ષે એમબીબીએસ પ્રવેશ માટેના કટ-ઓફમાં નોંધપાત્ર વધારો થયો છે; સરકારી મેડિકલ કોલેજો માટે ઓપન કેટેગરીનું કટ-ઓફ પ્રથમ મેરિટ લિસ્ટમાં વધીને ૫૩૮ માર્કસ પર પહોંચ્યું છે, જે ગયા વર્ષે ૫૦૯ હતું.

તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરનાર 'સ્ટેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સેલ' દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. સરકારી કોલેજોમાં મોટા ભાગની શ્રેણીઓમાં જોવા મળતો આ વધારો 'રી-નીટ' અને ઊંચા ગયેલા કટ-ઓફનું પરિણામ છે.

ઓબીસી કટ-ઓફ પણ ગયા વર્ષના ૫૦૫ થી વધીને આ વર્ષે ૫૩૩ થયું છે, જ્યારે એસઈબીસી કટ-ઓફ ૫૦૪થી વધીને ૫૨૯ થયું છે. ઇડબ્લ્યુએસ કટ-ઓફ ૪૮૮થી વધીને ૫૧૩ થયું છે. એસસી ઉમેદવારો માટે કટ-ઓફ ૪૩૧થી વધીને ૪૬૩ થયું છે, જ્યારે એસટી ઉમેદવારો માટે તે ૩૪૨ થી વધીને ૩૮૪ પર પહોંચ્યું છે.

ખાનગી બિન-સહાયિત મેડિકલ કોલેજોમાં આ વધારો ઘણો ઓછો રહ્યો છે. ઓપન કેટેગરીનું કટ-ઓફ ગયા વર્ષના ૪૭૯ થી વધીને આ વર્ષે ૪૮૨ થયું છે. ઓબીસી કટ-ઓફ ૪૭૯ થી ઘટીને ૪૭૬ થયો છે, જ્યારે એસઈબીસી કટ-ઓફ ૪૭૭ થી ઘટીને 462 થયું છે. એસસી કટ-ઓફ ૪૨૩ થી વધીને ૪૩૭ અને એસટી કટ-ઓફ ૩૨૯ થી વધીને ૩૫૮ થયું છે.

ગત વર્ષની સરખામણીમાં વધારો થયો હોવા છતાં, આ વર્ષના કટ-ઓફ ૨૦૨૪માં નોંધાયેલા કટ-ઓફ કરતાં નોંધપાત્ર રીતે નીચા છે. ૨૦૨૪માં સરકારી કોલેજોમાં ઓપન-કેટેગરીનું કટ-ઓફ ૬૪૨ હતું, જ્યારે ખાનગી કોલેજોમાં તે ૬૦૨ હતું.