Tue Sep 01 2026

Logo

ઉદ્યોગપતિના 22000 કરોડના દેવા માફ કરનારી સરકાર ખેડૂતોને રાહત આપતા કેમ ખચકાય છે? ઇસુદાન ગઢવી

2026-08-29 18:11:45
Author: Devayat Khatana
ઉદ્યોગપતિના 22000 કરોડના દેવા માફ કરનારી સરકાર ખેડૂતોને રાહત આપતા કેમ ખચકાય છે? ઇસુદાન ગઢવી

જામ ખંભાળિયા: ગુજરાતમાં ખેંચાઇ રહેલા વરસાદ તો અનેક જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ કફોડી બનતી જઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી (આપ) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે. દ્વારકા, જામનગર અને પોરબંદર સહિતના રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે તેઓ આજથી દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા ખાતે અનિશ્ચિત મુદ્દતના 'દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ' શરૂ કરી દીધા છે. ધરણાં સ્થળ પર ખેડૂતોને સંબોધિત કરતાં તેમણે સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરી હતી. આ દરમિયાન તેમણે સરકારને આડે હાથ તેમની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. 

આમ આદમી પાર્ટી (આપ) દ્વારા જામ ખંભાળિયા ખાતે ખેડૂતોના અધિકારો માટે ‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ અનિશ્ચિત મુદતના ધરણા પર બેસીને સરકાર સામે મોરચો માંડ્યો છે. આ પ્રસંગે ખેડૂતોને સંબોધતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, નિયમ મુજબ જો ચાર અઠવાડિયા સુધી સતત વરસાદ ન પડે તો તે વિસ્તારને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ, પરંતુ અહીં નવમું અઠવાડિયું વીતી ગયું હોવા છતાં સરકાર કોઈ પગલાં લઈ રહી નથી. 

તેમણે કહ્યું હતું કે ઘણા સરપંચો અને આગેવાનોના ફોન આવેલા કે અમે આવશું પણ સરકારે તેમના પર દબાણ કર્યું, સમાજના આગેવાનોને આગળ કર્યા અને આવવા ન દીધા, તેવો આક્ષેપ કર્યો હતો. આગળ તેમણે સ્થાનિક સરપંચો અને ખેડૂત આગેવાનો પર શાસક પક્ષ તરફથી આવી રહેલા ભારે વહીવટી દબાણનો ઉલ્લેખ કરતા ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે, "તમે કોઈ ચિંતા કર્યા વિના તમારા ઘરે બેસો અને તમારા સંતાનોનું ભલું કરો, તમારો આ ભાઈ ખેડૂતો માટે મરવા પણ તૈયાર છે અને સરકાર પાસે આ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાવીને જ જંપશે. તેમણે વહીવટી તંત્રને પડકાર ફેંકતા ઉમેર્યું હતું કે જો ધરણા માટે મંજૂરી નહીં આપવામાં આવે, તો તેઓ પોલીસ સ્ટેશનની અંદર પણ ખેડૂતોના હિત માટે ધરણા પર બેસવા તૈયાર છે. 

ખેડૂતો અને પશુપાલકોની કફોડી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇસુદાન ગઢવીએ સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. પ્રથમ માંગણી તરીકે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ, અમરેલી સહિતના અછતગ્રસ્ત જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના પ્રભાવિત તાલુકાઓને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. બીજી માંગણી હેઠળ, વાવણી બાદ વરસાદ ખેંચાવાને લીધે સુકાઈ રહેલા પાકને બચાવવા માટે સૌની યોજના, નર્મદા નહેર કે અન્ય સિંચાઈ સ્ત્રોતો મારફતે તાત્કાલિક ડેમો ભરીને પાણી છોડવાની રજૂઆત કરી છે. ત્રીજી માંગણી અંતર્ગત પશુઓ માટે માત્ર નજીવા કાર્ડ આપવાના બદલે પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરવા અને ચોથી માંગણી હેઠળ અછતગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના વીજળી બિલો સંપૂર્ણપણે માફ કરવાની માંગ મૂકી છે. 

સરકારની નીતિઓ પર પ્રહારો કરતા ઇસુદાને આક્ષેપ કર્યો હતો કે શાસક ભાજપ સરકાર લોકહિતના કામો કરી શકતી નથી પરંતુ લોકોને ડરાવવા માટે તમામ પ્રકારના રસ્તાઓ અપનાવી રહી છે. તેમણે સરકાર પર ગંભીર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, એક તરફ એક ઉદ્યોગપતિનું 22 હજાર કરોડ રૂપિયાનું મોટું દેવું માત્ર 6 કરોડ રૂપિયા વસૂલ કરીને માફ કરી દેવામાં આવે છે, તો બીજી તરફ ગરીબ ખેડૂતો અને પશુપાલકોને વાજબી રાહત આપવામાં પણ સરકાર ખચકાઈ રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ આંદોલન કોઈ ચૂંટણીલક્ષી રાજકારણ કે સત્તા મેળવવા માટે નથી થઈ રહ્યું અને આ ધરણામાં કોઈ પણ પક્ષના ખેસનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે ભાજપને અનશનથી કાઇ ફેર નથી પડતો આથી તેમની સામે તેમની જ નીતિએ ખાઈ પિયને જ લડવું જોઈએ, વળી તેમણે એવું પણ જણાવ્યું હતું કે અમારી પાસે બી અને સી એમ અન્ય બે પ્લાન પણ તૈયાર છે. ખેડૂતોના હક માટે અમે લડતા રહેશું તેવી તેમણે વાત કરી હતી.