અમદાવાદઃ વરસાદી માહોલને લીધે અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીથી થોડી રાહત હતી, પંરતુ વરસાદ ખેંચાતા ફરી તાપમાનનો પારો ઉંચકાયો છે અને તેની સાથે વીજવપરાશમાં પણ વધારો નોંધાયો છે. અમદાવાદ, વડોદરામાં શનિવારે મહત્તમ તાપમાન અનુક્રમે 34.5 અને 34 ડિગ્રી નોંધાયું હતું. ભુજમાં 33.8 અને સુરતમાં 32 ડિગ્રી નોંધાયું હતું. ગરમી વધતા જ લોકોના ઘરોમાં પંખા અને એરકન્ડિશનરન ઉપયોગ વધી ગયો હોવાનું આંકડા જણાવે છે. આ સાથે વરસાદની ઘટને કારણે ખેડૂતો પણ નોંધપાત્ર માત્રામાં વીજળીનો વપરાશ કરી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મળતી વિગતો અનુસાર ફક્ત ચાર દિવસમાં 3,259 મેગાવોટનો વીજવપરાશ વધ્યો છે. રાજ્યમાં 27 ઓગસ્ટના રોજ 28,220 મેગાવોટ વીજળીની માગ નોંધાઈ હતી, જેમાં કૃષિ, રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજ્યિક ક્ષેત્રોમાં વપરાશમાં વધારો થયો હતો. રાજ્યમાં ખરીફ પાકનો લગભગ ૯૨% હિસ્સો વાવી દેવામાં આવ્યો છે. રાજ્યના સરેરાશ ૮૫.૩૦ લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે, અત્યાર સુધીમાં ૭૮.૫૫ લાખ હેક્ટરમાં પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે સિંચાઈ માટે અને પાકને સમયસર પાણી પૂરું પાડવા માટે વીજળીની માંગ વધી છે, તેમ સૂત્રો જણાવે છે. જો સ્થિતિ આમ જ રહેશે તો વધારે વીજળની જરૂર ઊભી થશે.
આગામી દિવસોમાં વધતી માગને પહોંચી વળવા માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ ને ખુલ્લા બજારમાંથી વધારાની વીજળી ખરીદવી પડે તેવી શક્યતા સૂત્રોએ દર્શાવી હતી. એક અંદાજ મુજબ, જો વરસાદ ટૂંક સમયમાં ફરી શરૂ નહીં થાય, તો રાજ્યની વીજળીની માંગ દિવસદીઠ 29,500 મેગાવોટની આસપાસ પહોંચી શકે છે.
ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં તાજેતરની માગ પણ નોંધપાત્ર રીતે વધારે છે. 27 ઓગસ્ટ, 2025 ના રોજ, ગુજરાતની વીજળીની માગ 18,052 મેગાવોટ હતી. 27 ઓગસ્ટ, 2026 ના રોજ, તે 28,220 મેગાવોટ પર પહોંચી ગઈ, જે એક વર્ષમાં 10,168 મેગાવોટનો વધારો દર્શાવે છે.
રાજ્યમાં ૨૯ જૂનના રોજ લગભગ ૨૯,૦૦૦ મેગાવોટની ઐતિહાસિક વીજળીની માંગ નોંધાઈ હતી. તાજેતરનો ઉછાળો સૂચવે છે કે જો પાણીની ખેંચ રહેશે અને સિંચાઈની સમસ્યા ઓછા વરસાદને લીધે ઊભી થશે તો વીજળીનો વપરાશ ફરી એકવાર રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે.