Tue Oct 06 2026

Logo

પાકિસ્તાને FATFના દબાણમાં મસૂદ અઝહરનો આતંકવાદીઓની યાદીમાં સમાવેશ કર્યો, ઇનામ પણ વધાર્યું

Islamabad   2026-09-14 19:33:26
Author: Chandrakant Kanoja
પાકિસ્તાને FATFના દબાણમાં મસૂદ અઝહરનો આતંકવાદીઓની યાદીમાં સમાવેશ કર્યો, ઇનામ પણ વધાર્યું

ઇસ્લામાબાદ: પાકિસ્તાને ઓક્ટોબરમાં યોજાનારી FATFની બેઠક પહેલાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વર્ષ 2026 ના 'મોસ્ટ વોન્ટેડ' આતંકવાદીઓની યાદીમાં સમાવેશ કર્યો છે. તેમજ તેના પરનું ઈનામ વધારીને 70  લાખ પાકિસ્તાની રૂપિયા કર્યું છે. 

મસૂદ અઝહર પાકિસ્તાનના સિંધ પ્રાંતના નવાબશાહ શહેરમાં છુપાયેલો 

આ ઉપરાંત ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા છેલ્લા છ મહિનામાં કરવામાં આવેલા ટેકનિકલ વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે મસૂદ અઝહર પાકિસ્તાનના સિંધ પ્રાંતના નવાબશાહ શહેરમાં છુપાયેલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કારણોસર પાકિસ્તાનની નવી યાદીમાં તેના નામનો સમાવેશ આંતરરાષ્ટ્રીય દબાણને ટાળવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

FIAની નવી 'રેડ બુક'માં 26/11 સાથે સંકળાયેલા 19 આતંકીઓના નામ 

જોકે, FIAની નવી 'રેડ બુક'માં 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા સાથે સંકળાયેલા 19 આતંકવાદીઓના નામ પણ સામેલ છે. આ વ્યક્તિઓ પર આતંકવાદીઓને મદદ કરવાનો, તેમને નાણાં પૂરા પાડવાનો અથવા હુમલામાં વપરાયેલી બોટની વ્યવસ્થા કરવાનો આરોપ છે. આ યાદીમાં તેમાંથી 17 વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ, તેમની ભૂમિકાની વિગતો અને લશ્કર-એ-તૈયબા સાથેના તેમના જોડાણ અંગેની માહિતીનો સમાવેશ થાય છે.

બે આતંકીના કિસ્સામાં ફોટોગ્રાફ્સ અને સંગઠનાત્મક જોડાણો દૂર કરાયા 

જો કે બે  આતંકીના  કિસ્સામાં તેમના ફોટોગ્રાફ્સ, સંગઠનાત્મક જોડાણો અને તેમની ભૂમિકાઓ અંગેની વિગતો દૂર કરવામાં આવી છે. તેમાં તુર્બતના મુહમ્મદ ખાનનો સમાવેશ થાય છે. જેમણે 26/11 હુમલાખોરોને મુંબઈ પહોંચાડવા માટે 'અલ-હુસૈની' બોટ પૂરી પાડી હતી. નવી યાદીમાંથી બહાવલનગરના અબ્દુલ રહેમાનનો ફોટોગ્રાફ અને લશ્કર-એ-તૈયબા સાથેનું તેમનું જોડાણ પણ દૂર કરવામાં આવ્યું છે.

26/11 સાથે સંકળાયેલા 17 આરોપીઓ છેલ્લા 18 વર્ષથી ફરાર

FIA અનુસાર, 26/11ના હુમલા સાથે સંકળાયેલા તમામ 17 આરોપીઓ છેલ્લા 18 વર્ષથી ફરાર છે. જોકે, સૂત્રોનું કહેવું છે કે ભારતીય ગુપ્તચર એજન્સીઓ માને છે કે આ તમામ 17 વ્યક્તિઓ હજુ પણ પાકિસ્તાનમાં જ  છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે થતી દેખરેખને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ 

જોકે,  સૂત્રોએ FIAની 'મોસ્ટ વોન્ટેડ' યાદીમાં તેમનો સમાવેશ કરવાના પગલાને આંતરરાષ્ટ્રીય સ્તરે થતી  દેખરેખને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ તરીકે વર્ણવ્યું છે.પાકિસ્તાને તેમને 'વોન્ટેડ' જાહેર કર્યા હોવા છતાં, તેમની સામે વાસ્તવિક કાર્યવાહી કરવા અંગે પ્રશ્નો યથાવત છે.

પાંચ વર્ષમાં રેડ બુકમાં આતંકીઓની સંખ્યામાં 35 ટકાનો વધારો 

છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાનની 'રેડ બુક'માં સામેલ 'મોસ્ટ વોન્ટેડ' આતંકવાદીઓની સંખ્યામાં પણ 35 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021માં આ સંખ્યા 1,330 હતી, જે હવે વધીને 1,804 થઈ ગઈ છે.