ધ્રાંગધ્રા તાલુકાથી આશરે 20 કિલોમીટર દૂર આવેલું નારીચાણા ગામ ઐતિહાસિક સ્વયંભૂ હનુમાનજી મંદિરને કારણે સમગ્ર ગુજરાત સહિત દેશ-વિદેશમાં જાણીતું બન્યું છે. અહીં ભાદરવા સુદ બીજના દિવસે દર વર્ષે પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવે છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હનુમાનજીના દર્શન માટે ઉમટી પડે છે.
શું છે લોકમાન્યતા
સ્થાનિક લોકોમાં પ્રચલિત માન્યતા મુજબ વર્ષો પહેલાં ખેતરમાં હળ ચલાવતી વખતે જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. હળ વાગવાથી હનુમાનજીની મૂર્તિના પગમાં નિશાન પડ્યું હોવાની પણ લોકવાયકા છે. ભાદરવા સુદ બીજના દિવસે મૂર્તિના પગમાંથી રસી નીકળતી હોવાની ધાર્મિક માન્યતા સાથે આ દિવસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

શનિવારે પણ ઉમટે છે ભક્તો
નારીચાણા હનુમાનજી મંદિરે શનિવારના દિવસે પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. ખાસ કરીને કારતક મહિનાના શનિવારે અહીં દર્શનનું વિશેષ મહત્વ હોવાનું સ્થાનિક શ્રદ્ધાળુઓ જણાવે છે. ભક્તોની માન્યતા છે કે સ્વયંભૂ હનુમાનજીના દર્શન અને પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
મેળામાં રોજગારીની તકો પણ ઊભી થાય છે.

ભાદરવા સુદ બીજના મેળો છે જાણીતો
ભાદરવા સુદ બીજના મેળા દરમિયાન આસપાસના ગામો તેમજ નારીચાણા ગામના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. મેળામાં વિવિધ સ્ટોલ, રમકડાં, ખાણીપીણી સહિતની દુકાનો ઉભી થતાં સ્થાનિક લોકો અને નાના વેપારીઓને રોજગારીની તકો પણ મળે છે. ગ્રામજનો હળીમળીને રહીને મંદિરના ધાર્મિક પ્રસંગો અને મેળાનું આયોજન સફળ બનાવે છે.

મંદિર દ્વારા મહાપ્રસાદ અને અન્નક્ષેત્ર
મંદિરના મહંત રોહિતદાસબાપુના માર્ગદર્શન હેઠળ અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ સ્વરૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મહાપ્રસાદનો લાભ લે છે. અન્નક્ષેત્રની સેવા માટે ગામના યુવાનો અને ગ્રામજનો સ્વયંસેવક તરીકે જોડાઈ સેવા આપે છે તેમજ લોકોના સહયોગથી અન્નક્ષેત્રની કામગીરી કરવામાં આવે છે.
નારીચાણા ગામનું સ્વયંભૂ હનુમાનજી મંદિર આજે માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ ગ્રામજનોની એકતા, સેવા અને પરંપરાનું પણ પ્રતિક બન્યું છે. દર વર્ષે ભાદરવા સુદ બીજના મેળામાં સમગ્ર રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં નારીચાણા ગામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠે છે.