Wed Oct 07 2026

Logo

ભારત અને મહાસત્તાઓ વચ્ચેની બ્રિક્સ પરિષદમાં ખેલકૂદ વિશે પણ થઈ ચર્ચા!: જાણો, મોદી સરકારની કઈ ભલામણો સ્વીકારાઈ

2026-09-13 16:37:04
Author: Ajay Motiwala
ભારત અને મહાસત્તાઓ વચ્ચેની બ્રિક્સ પરિષદમાં ખેલકૂદ વિશે પણ થઈ ચર્ચા!: જાણો, મોદી સરકારની કઈ ભલામણો સ્વીકારાઈ

નવી દિલ્હીઃ ખેલકૂદ માત્ર સ્પર્ધકોની ટૅલન્ટ અને ક્ષમતા બતાવવાનું જ ક્ષેત્ર નથી, એમાં વૈશ્વિક સ્તરે વેપાર તેમ જ વિકાસ માટે વિપુલ તકો રહેલી છે અને એને ધ્યાનમાં રાખીને ભારત સરકારે વીકએન્ડ દરમ્યાન પાટનગર દિલ્હીના `ભારત મંડપમ'માં આયોજિત બ્રિક્સ (BRICS) શિખર પરિષદમાં રમતગમતને લગતી બે દરખાસ્ત રજૂ કરી હતી જેને ટેકો મળ્યો હતો.

`બ્રિક્સ' નામ પાંચ દેશના અંગે્રજી નામના પહેલા અક્ષર પરથી પડ્યું છે અને આ પાંચ દેશમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકાનો સમાવેશ છે. બ્રિક્સમાં આ ઉપરાંત ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, સઉદી અરેબિયા, યુએઇ વગેરે બીજા 10થી પણ વધુ દેશોનો સમાવેશ છે. બ્રિક્સ શિખર સંમેલનમાં ભારતે રજૂ કરેલા બે પ્રસ્તાવ આ મુજબ હતાઃ સ્પોર્ટ્સ ટેક્નોલૉજી વિશે કાર્યકારી જૂથની રચના કરવી અને સ્પોર્ટ્સ ગુડ્સ મૅન્યુફેક્ચરિંગ કૉન્ક્લેવનું સંગઠન કરવું.

ગયા મહિને વિશાખાપટનમમાં ભારતના અધ્યક્ષસ્થાન હેઠળ બ્રિક્સ રાષ્ટ્રોના ખેલકૂદ પ્રધાનો વચ્ચે જે પરિષદ યોજાઈ હતી એમાં ભારતના સ્પોર્ટ્સ (Sports) મિનિસ્ટર મનસુખ માંડવિયાએ આ બે દરખાસ્ત સહિત કુલ ત્રણ પ્રસ્તાવ રજૂ કરવાની પહેલ કરી હતી. માંડવિયાએ દેશોને ખાતરી આપી હતી કે સૂચિત જૂથમાં ભારત પોતાના સંબંધિત નિષ્ણાતો મોકલશે. સ્પોર્ટ્સ ગુડ્સ ઉત્પાદન વિશેની પરિષદ આગામી નવેમ્બરમાં ઉદયપુરમાં રાખવાની યોજના છે જેમાં ટેક્નોલૉજીની આપ-લે અને આવિષ્કાર પર ભાર મૂકવામાં આવશે તેમ જ આ પરિષદ મારફથ બ્રિક્સ દેશોના ઉત્પાદકો, નિકાસકારો, રોકાણકારો, ટેક્નોલૉજી પૂરી પાડનારાઓ, ઉદ્યોગો, સ્ટાર્ટ-અપના સંચાલકો તેમ જ સંશોધન કરતી સંસ્થાઓ એકમેકની નજીક આવશે અને વિકાસમાં સહભાગી બનશે.

સ્પોર્ટ્સ ટેક્નોલૉજી વિશે કાર્યકારી જૂથની રચના થતાં જ સ્પોર્ટ્સ સાયન્સ, ઍથ્લીટ પર્ફોર્મન્સ, સુસંચાલન, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ), ડિજિટલની દુનિયામાં પરિવર્તિત તેમ જ નૂતનીકરણની પ્રક્રિયા, વગેરે જરૂરી ક્ષેત્રે બ્રિક્સ દેશો એકમેકને સહકાર આપીને વિકાસ માટે આગળ વધશે.