નવી દિલ્હી: પાટનગર સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ ઈટાલિયન નાગરિક જરૂરી ઈમિગ્રેશન તપાસ કરાવ્યા વિના જ ભારતમાંથી બહાર નીકળી ગયા હતા. એટલું જ નહીં, મ્યુનિક જતી ફ્લાઇટમાં સવાર થઈ ગયા. આ ઘટનાની જાણ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઈન્ડિયાને કારણદર્શક નોટિસ ફટકારી છે અને 7 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. આ ઘટનાએ એરપોર્ટ પર મુસાફરોની ચકાસણી અને ઈમિગ્રેશન પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આ ઘટના ત્રીજી સપ્ટેમ્બરના મોડી રાતના બની હતી. આ ત્રણેય ઈટાલિયન નાગરિકો અમૃતસરથી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-1115 મારફતે દિલ્હી પહોંચ્યા હતા. ફ્લાઇટ લગભગ રાત્રે 12:50 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી. ત્યાર બાદ માત્ર એક કલાક બાદ એટલે કે લગભગ 1:45 વાગ્યે ત્રણેય મુસાફરો લુફ્થાન્સાની ફ્લાઇટ LH-763 દ્વારા મ્યુનિક જવા રવાના થઈ ગયા હતા. ખાસ વાત એ હતી કે ભારત છોડતા પહેલાં તેમની જરૂરી ઈમિગ્રેશન તપાસ પણ થઈ નહોતી.
મંત્રાલયની તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેય મુસાફરો અમૃતસરથી દિલ્હી સુધીની મુસાફરી માટે ડોમેસ્ટિક એટલે કે ડી કેટેગરીનો બોર્ડિંગ પાસ ધરાવતા હતા. જોકે, અમૃતસરમાં જ તેમને દિલ્હીથી આગળ મ્યુનિક જતી લુફ્થાન્સાની ફ્લાઈટનો બોર્ડિંગ પાસ પણ આપવામાં આવ્યો હતો.
મંત્રાલયના જણાવ્યા મુજબ, નક્કી કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે એસઓપીમાં આ પ્રકારના ત્રીજા બોર્ડિંગ પાસની જોગવાઈ નથી. આ પ્રક્રિયાને ઘટનાની શરૂઆતની મહત્વપૂર્ણ કડી માનવામાં આવી રહી છે.
દિલ્હી પહોંચ્યા બાદ ત્રણેય મુસાફરોને ડોમેસ્ટિક મુસાફરોના માર્ગથી અલગ કરીને ઈમિગ્રેશન વિસ્તારમાં લઈ જવાના હતા. પરંતુ એવું થયું નહીં. તેમને ગેટ નંબર 39 મારફતે ઈમિગ્રેશન વિસ્તારમાં મોકલવાને બદલે ઈન્ટરનેશનલ-ટુ-ઈન્ટરનેશનલ ટ્રાન્સફર વિસ્તારમાં લઈ જવામાં આવ્યા. ત્યાંથી તેઓ સીધા ડિપાર્ચર એરિયામાં પહોંચી ગયા અને મ્યુનિક જતી ફ્લાઇટમાં બેસી ગયા. એટલે કે ભારત છોડતા પહેલાં થનારી ફરજિયાત ઈમિગ્રેશન તપાસની પ્રક્રિયા જ છૂટી ગઈ.
આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઈન્ડિયાની D-I ઓપરેશન્સ SOPના પાંચ અલગ-અલગ પ્રાવધાનોના ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો છે. નિયમ મુજબ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મુસાફરોને અલગ રાખવાના હોય છે અને ઈન્ટરનેશનલ-ટુ-ઈન્ટરનેશનલ ટ્રાન્સફર ડેસ્ક પર માત્ર I કેટેગરીના બોર્ડિંગ પાસ ધરાવતા મુસાફરોને જ પ્રવેશ મળવો જોઈએ. આ ઉપરાંત હબ અને સ્પોક બંને એરપોર્ટ પર ચોવીસ કલાક નોડલ અધિકારી અને ટીમ તૈનાત રાખવાની જવાબદારી પણ હોય છે.
મંત્રાલયે એર ઈન્ડિયા સામે અનેક સવાલો પણ ઉઠાવ્યા છે. D બોર્ડિંગ પાસ ધરાવતા મુસાફરો ઈન્ટરનેશનલ ટ્રાન્સફર વિસ્તારમાં પહોંચ્યા કેવી રીતે, બોર્ડિંગ પાસ જોઈને તેમની યોગ્ય ઓળખ કેમ ન થઈ અને અમૃતસરમાં જ તેમને મ્યુનિકની આગળની ફ્લાઇટનો બોર્ડિંગ પાસ શા માટે આપવામાં આવ્યો, તે અંગે જવાબ માંગવામાં આવ્યો છે. મુસાફરોને હેન્ડલ કરનારા એર ઈન્ડિયા અને SATSના કર્મચારીઓની ભૂમિકા તેમજ ઘટના સમયે નોડલ અધિકારી અને મોનિટરિંગ ટીમ ક્યાં હતી તે અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે.
મંત્રાલયે ડેટા સંબંધિત બાબતો પર પણ તપાસ શરૂ કરી છે. જનરલ ડિક્લેરેશન, પેસેન્જર મેનિફેસ્ટ અને API-PNR ડેટા ઈમિગ્રેશન અધિકારીઓને સમયસર આપવામાં આવ્યો હતો કે નહીં અને તેમાં ત્રણેય મુસાફરોની સ્થિતિ યોગ્ય રીતે નોંધાઈ હતી કે નહીં તે અંગે પણ સવાલ કરવામાં આવ્યા છે.
આ ગંભીર ચૂક મુસાફરોના રવાના થયા પહેલાં પકડાઈ કેમ નહીં તે પણ તપાસનો મહત્વનો મુદ્દો છે. આખરે આ મામલો મેન્યુઅલ મેચિંગ દરમિયાન સામે આવ્યો હતો.
હવે એર ઈન્ડિયાને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની નોટિસનો 7 દિવસની અંદર જવાબ આપવાનો છે. મંત્રાલયે પૂછ્યું છે કે SOPનું પાલન ન કરવા અને જરૂરી સાવચેતી ન રાખવા બદલ એરલાઈન સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવે.
જો નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ નહીં આપવામાં આવે તો ઉપલબ્ધ રેકોર્ડના આધારે આગળની વહીવટી અને નિયમનકારી કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ સમગ્ર ઘટનાએ હબ-એન્ડ-સ્પોક વ્યવસ્થામાં મુસાફરોની ઓળખ, ઈમિગ્રેશન અને સુરક્ષા પ્રક્રિયાના અમલ સામે ગંભીર સવાલો નિર્માણ કર્યા છે.