Mon Oct 05 2026

Logo

મહાત્મા મંદિર ખાતે  વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026નું આયોજન , 65 થી વધુ દેશોના પ્રતિનિધીઓ હાજર રહેશે

2026-09-14 17:29:13
Author: Mumbai Samachar Team
મહાત્મા મંદિર ખાતે  વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026નું આયોજન , 65 થી વધુ દેશોના પ્રતિનિધીઓ હાજર રહેશે

ગાંધીનગર: ગુજરાતમાં મહાત્મા મંદિર ખાતે  સમગ્ર દક્ષિણ એશિયામાં  પ્રથમવાર 15 થી 16 સપ્ટેમ્બર દરમિયાન વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF)2026'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 65  થી વધુ દેશોના 2000 થી વધુ લોકો ભાગ લેશે.

17 થી 18 સપ્ટેમ્બર  દરમિયાન એક્સેલરેટર સત્રો

આ  ફોરમનું સંયુક્ત ઉદ્ઘાટન કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી  ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે.
આ ફોરમનું આયોજન 'સર્ક્યુલર ઇકોનોમી: ટ્રાન્સિશન ફોર પીપલ એન્ડ પ્રોસ્પેરીટી'  થીમ હેઠળ કરવામાં આવશે, ત્યારબાદ 17 થી 18 સપ્ટેમ્બર,2026 દરમિયાન એક્સેલરેટર સત્રો યોજાશે.

ભારત અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થશે

જ્યારે તા.15 સપ્ટેમ્બર, 2026 ના રોજ ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના વન, પર્યાવરણ  મંત્રી  અર્જુન મોઢવાડિયા, ભારતમાં ફિનલેન્ડના રાજદૂત એચ.ઈ. શ્રી મિક્કો કિવિકોસ્કી, સિત્રા (SITRA) ના પ્રમુખ  એટે જાસ્કેલાઈનન, આર્થિક બાબતો અને આબોહવા મંત્રાલય (નેધરલેન્ડ) ના સર્ક્યુલર ઇકોનોમી નિયામક મેરીકે સ્પાઇકરબોઅર તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થશે.

ફોરમનો હેતુ સર્ક્યુલરિટીને પ્રોત્સાહન આપવાનો 

સર્ક્યુલરિટીનો મુખ્ય હેતુ હાલની સામગ્રી અને ઉત્પાદનોનો પુનઃઉપયોગ, રિફર્બિશિંગ અને રિસાઇક્લિંગ કરીને તેને મૂલ્યવાન સંસાધનો તરીકે ફરીથી અર્થતંત્રમાં લાવવાનો છે.  આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB),ફિનિશ ઇનોવેશન ફંડ સિત્રા (Sitra), ફિનલેન્ડ સરકાર, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC), ગુજરાત સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કરવામાં આવી રહ્યું છે.WCEF 2026 નો મુખ્ય હેતુ સર્ક્યુલરિટીને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટેના ભારતના પ્રયાસોને દર્શાવવાનો છે.

AI નો ઉપયોગ અને  રોજગારની ક્ષમતા અંગે સત્રો 

આ ફોરમમાં AI નો ઉપયોગ, રોજગારની ક્ષમતા, ઉર્જા ઉત્પાદન, નાણા, શાસન, ટકાઉ ઉત્પાદનો અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ જેવા વિષયો પર 04 પ્લેનરી અને16 સંતોષકારક થીમ આધારિત સત્રો યોજાશે. આ ઉપરાંત 125 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકર્તાઓ સાથેનો એક્સ્પો સ્ટાર્ટ-અપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા વ્યવહારુ ઉકેલોનું પ્રદર્શન કરશે.

80  એક્સેલરેટર સત્રો સ્વતંત્ર રીતે યોજાશે 

આ ઉપરાંત તા. 17-18  સપ્ટેમ્બર ના રોજ, વૈશ્વિક સહયોગીઓ ગાંધીનગર તેમજ વિશ્વભરના અન્ય સ્થળોએ ઓનલાઇન/હાઇબ્રિડ અને રૂબરૂમાં 80  એક્સેલરેટર સત્રો સ્વતંત્ર રીતે યોજશે.