Mon Oct 05 2026

Logo

વડોદરામાં તંત્રની બેદરકારી, ડ્રેનેજ માટે ખોદેલા ખાડામાં દાદી અને પૌત્રી પડયા

2026-09-14 16:35:02
Author: Chandrakant Kanoja
વડોદરામાં તંત્રની બેદરકારી, ડ્રેનેજ માટે ખોદેલા ખાડામાં દાદી અને પૌત્રી પડયા

વડોદરા: ગુજરાતમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે. તો બીજી તરફ વડોદરામાં તંત્રની મોટી ભૂલના લીધે દાદી અને પૌત્રી ડ્રેનેજ લાઈન નાખવા માટે ખોદવામાં આવેલા ખાડામાં પડ્યા હતા. આ દુર્ઘટના પાદરા- જાસપુર ચોકડી પાસે ઘટી હતી. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 

દાદી અને પૌત્રી બચાવ્યા હતા

જોકે, આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેમણે તાત્કાલીક સહાય કરીને દાદી અને પૌત્રી બચાવ્યા હતા. જો, સમયસર બચાવવામાં ન આવ્યા હોત તો મોટી ઘટના સર્જાઇ હોત. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પ્રકાશમાં આવ્યા છે. 

તંત્ર દ્વારા ખાડાનું યોગ્ય પુરાણ કરવામાં આવ્યું ન હતું

આ અંગે મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના પાદરા-જાસપુર ચોકડી પાસે નવીન ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે રસ્તા પાસે ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ તંત્ર દ્વારા ખાડાનું યોગ્ય પુરાણ કરવામાં આવ્યું ન હતું. તેમજ તે સ્થળ પર  પાણી ભરાયું હતું. તેમજ આ પાણીમાંથી પસાર થઈ રહેલી દાદી અને પૌત્રીને આ ખાડાનો અંદાજ ન આવતા બંને તેમાં ખાબકયા હતા. 

તંત્રની કામગીરી સામે અનેક સવાલો

જોકે, આ ઘટના બાદ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. જેમાં તંત્ર દ્વારા ડ્રેનેજ કામગીરી બાદ રાખેલી બેદરકારી છતી થઇ છે. તેમજ આ કામગીરીમાં  રહેલી ભૂલની જવાબદારી કોની છે તે અંગે પણ સવાલ ઉભા થયા છે.