Sat Oct 03 2026

Logo

રીબાકિના નવી યુએસ ઓપન ચૅમ્પિયન અને નવી વર્લ્ડ નંબર-વનઃ વિક્રમજનક આટલા કરોડ રૂપિયાનું ઇનામ જીતી

New York   2026-09-13 17:27:00
Author: Ajay Motiwala
રીબાકિના નવી યુએસ ઓપન ચૅમ્પિયન અને નવી વર્લ્ડ નંબર-વનઃ વિક્રમજનક આટલા કરોડ રૂપિયાનું ઇનામ જીતી

સબાલેન્કાથી હાર સહન ન થઈઃ રબાકિનાને ભેટ્યા પછી રૅકેટ પછાડીને તોડી નાખ્યું

ન્યૂ યૉર્કઃ મહિલા ટેનિસની વર્લ્ડ નંબર-ટૂ કઝાખસ્તાનની એલેના રબાકિના (Rybakina)એ શનિવારે યુએસ ઓપન ટેનિસની સિંગલ્સની બે કલાક 21 મિનિટ સુધી ચાલેલી ફાઇનલમાં બેલારુસની વર્લ્ડ નંબર-વન અરીના સબાલેન્કા (Sabalenka)ને 6-4, 5-7, 6-2થી હરાવીને પહેલી વખત આ ગ્રેન્ડ સ્લૅમ ચૅમ્પિયનશિપનો તાજ જીતી લીધો હતો. રબાકિના આ જ વર્ષમાં ઑસ્ટ્રેલિયન ઓપન અને 2022માં વિમ્બલ્ડનનો તાજ જીતી હતી. રબાકિના અત્યાર સુધી વર્લ્ડ નંબર-ટૂ છે, પણ આ અઠવાડિયાથી તે સબાલેન્કાના હાથમાંથી વર્લ્ડ નંબર-વનની રૅન્ક પણ છીનવી રહી છે.

27 વર્ષની રબાકિનાનું આ ત્રીજું ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ હતું, જ્યારે 28 વર્ષીય સબાલેન્કા સતત ત્રીજા વર્ષે યુએસ ઓપનના ટાઇટલથી વંચિત રહી હતી. સબાલેન્કા પાંચમા ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલથી પણ દૂર રહી ગઈ હતી. એટલું જ નહીં, યુએસ ઓપનમાં એકધારી 19 મૅચ જીતવાની સબાલેન્કાની વિજયકૂચ પણ રબાકિનાએ રોકી દીધી હતી.

રબાકિનાએ જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પણ સબાલેન્કાને 6-4, 4-6, 6-4થી હરાવી હતી. એ ટેનિસ ટૂર્નામેન્ટ પણ હાર્ડ કોર્ટ પર રમાઈ હતી.

કોને કેટલું ઇનામ મળ્યું?

રબાકિના યુએસ ઓપનની ટ્રોફી સાથે પંચાવન લાખ ડૉલર (અંદાજે 53 કરોડ રૂપિયા)નું વિક્રમજનક ઇનામ જીતી હતી. ગ્રેન્ડ સ્લૅમ ટેનિસ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં આ સૌથી મોટું વ્યક્તિગત રોકડ ઇનામ છે. સબાલેન્કાને રનર-અપની ટ્રોફી સાથે 28 લાખ ડૉલર (આશરે 27 કરોડ રૂપિયા) મળ્યા હતા.

સબાલેન્કાથી હાર કેમ સહન ન થઈ?

બેલારુસની સબાલેન્કા સતત ત્રણ વર્ષ સુધી યુએસ ઓપનનું ટાઇટલ જીતનાર ત્રીજી મહિલા ખેલાડી બનવાની સિદ્ધિથી વંચિત રહી ગઈ એ બદલ પોતાના પર ગુસ્સે થઈ હતી. જોકે એ પહેલાં, મૅચ દરમ્યાન તેણે એક ગેમ હારી જતાં બૉલ સ્ટૅન્ડમાં ફેંક્યો હતો જેમાં એ બૉલ કૅમેરાને વાગ્યો હતો. સબાલેન્કાને આ બદલ અમ્પાયરની ચેતવણી મળી હતી. મૅચ પછી વિજેતા રસાકિનાને ભેટ્યા બાદ સબાલેન્કા પોતાની જગ્યાએ બેઠી ત્યાર બાદ તેણે રૅકેટ પછાડીને તોડી નાખ્યું હતું. એ પહેલાં પણ તેણે ગુસ્સામાં ટેનિસ કોર્ટ પર રૅકેટ પછાડ્યું હતું.

સબાલેન્કાને 67 લાખ રૂપિયાનો દંડ થઈ શકે

સબાલેન્કાએ બે વખત રૅકેટને નુકસાન પહોંચાડ્યું હતું. તેણે મૅચ બાદ રૅકેટ પછાડીને તોડી નાખ્યું હતું અને નજીકમાં ઉડેલો એનો એક ભાગ લઈને પોતાની બૅગમાં રાખી દીધો હતો. સબાલેન્કાએ બૉલ સ્ટૅન્ડમાં ફેંક્યો હતો. તેને આ બધા ગેરવર્તન બદલ 77,000 ડૉલર (આશરે 67 લાખ રૂપિયા)નો દંડ થઈ શકે.