મુંબઈઃ આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાના જીવન અને તેમના સંદેશાઓ પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ થિયેટરોમાં કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી રહી છે. રિલીઝ થયાના 38મા દિવસે એટલે કે છઠ્ઠા રવિવારે આ ફિલ્મે એવો અદ્ભુત ધમાકો કર્યો છે જે મોટા બજેટ ફિલ્મો જેવી કે ‘પુષ્પા 2’ અને ‘ધુરંધર 2’ પણ પોતાના 38મા દિવસે કરી શકી નહોતી. શરૂઆતમાં ધીમી ગતિએ ચાલ્યા બાદ અચાનક બોક્સ ઓફિસ પર વાવાઝોડું લાવવાની બાબતમાં 'હનુમાન અંશ'નો કોઈ જવાબ નથી.
શરૂઆતમાં ફ્લોપ ગણાવાયેલી ફિલ્મ બની ઓલટાઈમ બ્લોકબસ્ટર
હાલમાં આ ફિલ્મે અક્ષય કુમારની ‘હૈવાન’ અને પંકજ ત્રિપાઠી સ્ટારર ‘મિર્ઝાપુર’ જેવી મોટી ફિલ્મોને કમાણીની રેસમાં પાછળ છોડી દીધી છે. વિશાલ ચતુર્વેદીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ માત્ર રૂપિયા 2 કરોડના મામૂલી બજેટમાં તૈયાર થઈ હતી. 7 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મને શરૂઆતના બે સપ્તાહમાં ખૂબ જ ઠંડો પ્રતિસાદ મળ્યો હતો. 8મા દિવસે તો ઘણા ટ્રેડ એનાલિસ્ટ્સે આ ફિલ્મને ફ્લોપ જાહેર કરી દીધી હતી. પરંતુ પ્રેક્ષકોની પબ્લિસિટી અને ચમત્કારિક રિવ્યૂના કારણે આ ફિલ્મે એવી રફતાર પકડી કે દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. 11 ઓગસ્ટથી આ ફિલ્મ વિદેશોમાં પણ રિલીઝ કરવામાં આવી છે.
શું છે 'હનુમાન અંશ'ની વાર્તા અને સ્ટારકાસ્ટ?
આ ફિલ્મની કહાણી માતાના અવસાન બાદ ઊંડા શોકમાં ગરકાવ થયેલા એક યુવક લક્ષ્મીનારાયણની છે, જે ઈશ્વરની શોધમાં ઘર છોડીને આધ્યાત્મિક યાત્રા પર નીકળે છે. આ ફિલ્મમાં શોભિનવ સત્યાએ ફિલ્મમાં નીમ કરોલી બાબાની મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમની સાથે વિહાન શેડગે, ચંદન કે. આનંદ, પૂર્ણિમા તિવારી, અનિલ રસ્તોગી, ગુલશન પાંડે અને ભગવાનદાસ પટેલ જેવા સક્ષમ કલાકારોએ મહત્વના પાત્રો ભજવ્યા છે.
રૂપિયા 500 કરોડની 'ટોક્સિક' રેસમાંથી બહાર
કમાણીની વાત કરવામાં આવે તો, 38 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન રેકોર્ડબ્રેક રહ્યું છે. ભારતીય બોક્સ ઓફિસ પર 38 દિવસમાં રૂપિયા 214.63 કરોડનો વેપાર કર્યો છે. જ્યારે વર્લ્ડવાઈડ કુલ કલેક્શન રૂપિયા 268.05 કરોડ થઈ ગયું છે. એક તરફ 2 કરોડની ‘હનુમાન અંશ’ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે, ત્યારે બીજી તરફ રૂપિયા 500 કરોડના ખર્ચે બનેલી સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ બોક્સ ઓફિસ ખાસ કમાલ કરી શકી નથી. ‘ટોક્સિક’ ફિલ્મે પોતાના ત્રીજા રવિવારે માત્ર 26 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.