Mon Oct 05 2026

Logo

નાલાસોપારામાં પેપરમાંથી બનાવી 22 ફૂટ ઊંચી ગણેશ મૂર્તિ, મંડળે આપ્યો સુંદર મેસેજ

2026-09-14 19:40:09
Author: Mumbai Samachar Team
નાલાસોપારામાં પેપરમાંથી બનાવી 22 ફૂટ ઊંચી ગણેશ મૂર્તિ, મંડળે આપ્યો સુંદર મેસેજ

મુંબઈઃ ગણેશોત્સવની ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી અનોખી પહેલનો મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં શરુ કરવામાં આવી છે, ત્યારે નાલાસોપારા પૂર્વમાં જોવા મળી રહી છે. શ્રી સાઈનાથ મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવ 2026 માટે સંપૂર્ણપણે કાગળમાંથી 22 ફૂટ ઊંચી ગણપતિ બાપ્પાની ભવ્ય અને પર્યાવરણમિત્ર મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. 

આ વિશાળ મૂર્તિને પાલઘર જિલ્લામાં કાગળમાંથી બનાવવામાં આવેલી સૌથી મોટી ગણપતિ મૂર્તિઓમાંની એક ગણવામાં આવી રહી છે. મૂર્તિની ભવ્ય રચના અને આકર્ષક સ્વરૂપને કારણે નાલાસોપારા સહિત સમગ્ર પાલઘર જિલ્લામાં તે ભક્તો અને સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

શ્રી સાઈનાથ મિત્ર મંડળ આ વર્ષે પોતાના ગણેશોત્સવના 44મા વર્ષમાં પ્રવેશ્યું છે. છેલ્લા 44 વર્ષથી મંડળ દ્વારા ધાર્મિક આસ્થા સાથે વિવિધ સામાજિક પહેલો અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. 

આ વર્ષે મંડળે કાગળમાંથી વિશાળ ગણપતિ મૂર્તિ બનાવીને પર્યાવરણપૂરક ગણેશોત્સવ ઉજવવાનો સંદેશ આપ્યો છે. મૂર્તિના માધ્યમથી ભક્તોને પર્યાવરણની સુરક્ષા અને પ્રકૃતિ પ્રત્યે જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

22 ફૂટ ઊંચી આ કાગળની ગણપતિ મૂર્તિ નાલાસોપારા માટે ખાસ આકર્ષણ બની છે. મૂર્તિની અનોખી રચના જોવા અને ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે નાલાસોપારા તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવવાની અપેક્ષા છે. મંડળની આ પહેલ ધાર્મિક શ્રદ્ધા સાથે પર્યાવરણ જાળવણીનો સુંદર સમન્વય રજૂ કરે છે. 

ભક્તિ અને સામાજિક જવાબદારીને સાથે લઈને ગણેશોત્સવની ઉજવણી કેવી રીતે કરી શકાય તેનો આ એક અનોખો દાખલો બની રહ્યો છે. શ્રી સાઈનાથ મિત્ર મંડળની આ પહેલથી ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણપૂરક મૂર્તિઓ અને ઉજવણી અંગે વધુ જાગૃતિ ફેલાવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.