Mon Oct 05 2026

Logo

ગુજરાતના કચ્છ અને બનાસકાંઠામાં હાઇવેને ફોરલેન કરાશે, 692 કરોડની ફાળવણી

2026-09-14 20:00:58
Author: Mumbai Samachar Team
ગુજરાતના કચ્છ અને બનાસકાંઠામાં હાઇવેને ફોરલેન કરાશે, 692 કરોડની ફાળવણી

પ્રતીકાત્મક તસવીર


ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ અને બનાસકાંઠા માટે મહત્વની જાહેરાત કરી છે. જેમાં  રાજ્યના અતિમહત્વના ધોરીમાર્ગોને 7 મીટર માંથી 10  મીટર જેટલા પહોળા કરવા કચ્છ જિલ્લાને 363 કરોડ તેમજ 10 મીટર માર્ગને ફોરલેન કરવા માટે બનાસકાંઠા જિલ્લાને 229 કરોડ રૂપિયા મળીને કુલ 692 કરોડ રૂપિયા ફાળવ્યા છે. 

ત્રણ માર્ગોને 7 મીટરથી 10  મીટર પહોળા કરાશે 

આ ઉપરાંત  હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત કચ્છ જિલ્લામાં પાન્ધ્રો નારાયણ સરોવર રોડ, લખપત નારાયણ સરોવર રોડ અને દયાપર-સુભાષપર પાન્ધ્રો રોડ એમ ત્રણ માર્ગોને 7 મીટરથી 10  મીટર પહોળા કરવાના કામો માટે 363  કરોડ રૂપિયાના કામો મંજૂર થયા છે. 

કચ્છ જિલ્લામાં આ માર્ગોના પહોળા થવાથી તથા સુદ્રઢીકરણથી નારાયણ સરોવર, કોટેશ્વર જેવા યાત્રાધામો તથા આસપાસના પ્રવાસન સ્થળો સુધી પહોંચવું વધુ સરળ અને આરામદાયક બનશે અને પરિણામે આ વિસ્તારમાં પ્રવાસન ક્ષેત્રનો પણ સારો એવો વિકાસ થવાની સંભાવના છે.

શિહોરી- પાટણ રોડને 10 મીટરથી પહોળો કરીને ફોરલેન કરાશે 

તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં શિહોરી, પાટણ રોડને 10 મીટરથી પહોળો કરીને ફોરલેન કરવા માટે 229 કરોડ રૂપિયાનું કામ મંજુર કર્યું છે.

પરિવહનમાં પણ નોંધપાત્ર સરળતા થશે

કચ્છ અને બનાસકાંઠાના આ રસ્તાઓ આજુબાજુના તાલુકાઓને એકબીજા સાથે જોડતા હોવાથી ગ્રામજનો માટે અત્યંત મહત્વના પુરવાર થશે. તેમજ 10  મીટર પહોળા અને ફોરલેન બનવાથી આસપાસના નાના-મોટા ઔદ્યોગિક, તથા વાણિજ્ય વિસ્તારોમાં અવરજવર કરતાં ભારે વાહનો વધુ ઝડપથી અને સુરક્ષિત રીતે પસાર થઈ શકશે. પરિણામે સ્થાનિક ઉદ્યોગો, વેપાર-ધંધા તથા કૃષિ ઉત્પાદનોના પરિવહનમાં પણ નોંધપાત્ર સરળતા થશે.