અયોધ્યા: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ હવે સાધુ-સંતોએ મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ માટે કમર કસી છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણના સંકલ્પ સાથે અયોધ્યાથી એક 'રજત શિલા' મથુરા જવા માટે રવાના કરવામાં આવી છે. અયોધ્યાની મણિરામ છાવણી ખાતે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અને શ્રીકૃષ્ણ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે વિધિ-વિધાન સાથે આ રજત શિલાનું પૂજન કર્યું હતું. અયોધ્યા પહોંચ્યા બાદ સૌપ્રથમ આ રજત શિલાને પવિત્ર સરયૂ નદીમાં સ્નાન કરાવીને મહાઆરતી ઉતારવામાં આવી હતી. ઉપસ્થિત સંતો અને શ્રદ્ધાળુઓએ શિલા પર પુષ્પવર્ષા કરી તેનું સ્વાગત કર્યું હતું.
સરયૂ સ્નાન બાદ આ પવિત્ર શિલાને હનુમાનગઢી ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં બજરંગબલીના ચરણોમાં રાખીને તેની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ તેને રામ મંદિરે લઈ જઈને ભગવાન રામની પાવન ભૂમિની રજથી સંકલ્પિત કરવામાં આવી. આ યાત્રા દરમિયાન "અયોધ્યા હુઈ હમારી હૈ, અબ મથુરા કી બારી હૈ" અને "ભગવાન શ્રીકૃષ્ણ કી જય" ના ગગનભેદી જયઘોષ લગાવવામાં આવ્યા હતા. મણિરામ છાવણીમાં ધાર્મિક અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ આ શિલાને એક વિશેષ વાહન દ્વારા વ્રજભૂમિ લઈ જવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા અનુસાર, શિલા 1 સપ્ટેમ્બરના રોજ ધામધૂમથી વ્રજભૂમિમાં પ્રવેશ કરશે, જેના સ્વાગત માટે માર્ગમાં ઠેર-ઠેર ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે.
આ રજત શિલાનું વ્રજભૂમિ સહિત દેશના પ્રમુખ મંદિરો અને એક લાખથી વધુ ગામડાઓમાં પૂજન કરાવવાની યોજના હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. 1 સપ્ટેમ્બરના રોજ જ્યારે આ રજત શિલા વિશેષ વાહન દ્વારા વ્રજભૂમિ પહોંચશે ત્યારે શ્રદ્ધાળુઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવશે. વ્રજમાં પ્રવેશ કર્યા બાદ શિલાને સૌપ્રથમ શ્રીધામ વૃંદાવન લઈ જવામાં આવશે, જ્યાં સાધુ-સંતોની વિશેષ ઉપસ્થિતિમાં તેનું પૂજન કરાશે. નોંધનીય છે કે, વ્રજના સંતોએ ગત 9 ઓગસ્ટના રોજ રજત શિલા પૂજન કરાવવાની જાહેરાત કરી હતી. આ સમગ્ર આયોજનને મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર નિર્માણના સંકલ્પ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.