ભોપાલ: મધ્ય પ્રદેશના ખરગોન-બડવાની લોકસભા બેઠકના ભાજપ સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ ગજેન્દ્ર સિંહ પટેલે હિંદુ સમાજને લઈને એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમણે હિંદુ યુવાનોને વહેલા લગ્ન કરી 5 બાળકો પેદા કરવા અને ઘરમાં હથિયાર રાખવા માટે ખુલ્લેઆમ અપીલ કરી છે. તેમના આ નિવેદન બાદ મધ્ય પ્રદેશના રાજકીય ગલિયારામાં ભારે ગરમાવો આવી ગયો છે.
એક કાર્યક્રમમાં સાંસદ ગજેન્દ્ર સિંહ પટેલે વસ્તીના આંકડા ટાંકીને દાવો કર્યો હતો કે, સનાતની સમુદાયમાં જન્મદર સતત ઘટી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, ‘આજે દેશમાં જન્મેલા દર 4 બાળકોમાંથી માત્ર 1 બાળક હિંદુ હોય છે, જ્યારે બાકીના 3 અન્ય સમુદાયના હોય છે. હું સનાતની છું, તેથી આ વાત કહેવામાં મને કોઈ ડર નથી. સનાતની સમાજમાં જન્મદર ઘટીને 1.9 ટકા પર આવી ગયો છે, જે ચિંતાજનક છે. તેથી હિંદુઓએ 5 બાળકો પેદા કરવા જોઈએ’. સ્વાભાવિક છે કે, તેમના આ નિવેદનના કારણે રાજકીય વિવાદ સર્જાઈ શકે છે, જેની ચર્ચાઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.
સાસંદે 1947 થી 1967ના સમયગાળાનું આપ્યું ઉદાહરણ
પોતાના નિવેદનને વ્યાજબી ઠેરવતા ભાજપ સાંસદે ભૂતકાળના દાયકાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 1947 થી 1967 વચ્ચેના ગાળામાં પરિસ્થિતિ સાવ અલગ હતી. તે સમયે લોકો 20 થી 22 વર્ષની નાની વયે લગ્ન કરી લેતા હતા અને પરિવારમાં 4 થી 7 બાળકો થતા હતા. પરંતુ 2011ની વસતિ ગણતરી બાદ સનાતની સમાજનો ગ્રાફ ઝડપથી નીચે ગયો છે. આજે લોકો 40 વર્ષની ઉંમર સુધી લગ્ન નથી કરતા અને માત્ર એક જ બાળક પેદા કરવું પૂરતું માને છે. જ્યારે બીજી તરફ એક સમુદાયનો જન્મદર 2.9 ટકા પર પહોંચી ગયો છે.
હથિયાર રાખવા સાથે નશો છોડવાની પણ સલાહ આપી
સમાજ અને પરિવારને સશક્ત બનાવવા માટે સાંસદે યુવાનોને કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવા કહ્યું કે, જેમ આપણે મા દુર્ગાની ભક્તિ કરીએ છીએ, તેમ તેમની જેમ સ્વરક્ષણ માટે હથિયાર ધારણ કરવાનો ગુણ પણ આપણામાં હોવો જોઈએ. યુવાનો શારીરિક રીતે મજબૂત બને તે માટે જિમ અને પરંપરાગત કુસ્તીના અખાડા બનાવવા જોઈએ. આ સાથે તેમણે દહેજ અને ડીજે સંસ્કૃતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આજે ડીજે પર ડાન્સ કરનારા 60ટકાથી વધુ સનાતની યુવાનો નશાની હાલતમાં હોય છે. જો સમાજને મજબૂત કરવો હશે તો યુવાનોએ નશાનો ત્યાગ કરવો પડશે.