નવી દિલ્હીઃ FSSAIએ એવરેસ્ટ ફૂડ પ્રોડેક્ટ પ્રાયવેટ લિ. અને લાલજી ગોધુ એન્ડ કંપની સામે મોટું એક્શન લીધું છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક એજન્સી FSSAIએ કંપની તરફથી તૈયાર કરવામાં આવતી કંપાઉન્ડેડ હિંગ એટલે કે મિલાવટ કરીને તૈયાર કરવામાં આવતી હિંગના ઉત્પાદ તથા વેચાણ પર યુદ્ધના ધોરણે બ્રેક મારી દેવા આદેશ આપ્યા છે. આ કેસમાં તપાસ દરમિયાન કેટલાક નમૂનાઓની ચકાસણી કરવામાં આવી હતી. સુરક્ષા ને ગુણવત્તાના માપદંડ પર ખરી ન ઊતરતા એવરેસ્ટની હિંગના વેચાણ પર હાલ પૂરતી બ્રેક મારી દેવા માટેના આદેશ બાહર પાડવામાં આવ્યા છે.
નમૂના ફેઈલ થઈ ગયા
તપાસ કરતા એ વાત સામે આવી હતી કે, માપદંડમાં હિંગ ખરી ઊતરી નહીં, કેટલાક મુદ્દાઓમાં નિયમનો ભંગ થતો અને ખોટા લેબલ અંતર્ગત વેચાણ કરવામાં આવતું. FSSAIએ સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, આ કંપનીની સામે વેચાણ અને ઉત્પાદન રોકવા સંબંધિત આદેશ આપવામાં આવ્યા છે. ફૂડ લેબમાં તપાસ કરવામાં આવી છે. કંપાઉન્ડ હિંગના સેમ્પલમાં આલ્કોહોલમાં પીગળી જતા અર્કની માત્રા શુન્ય ટકા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે નક્કી કરેલા માપદંડ અનુસાર આ માત્રા ઓછામાં ઓછી પાંચ ટકા હોવી જોઈએ. આ સિવાય પીળી હિંગ પાઉડરમાં આ માત્રા 3.29 ટકા અને કાળી હિંગમાં 4.4 ટકા હતી. FSSAIએ કહ્યું હતું કે, ખાદ્ય ઉત્પાદન સાથે જોડાયેલા 2011ના નિયમોનું અહીંયા કોઈ રીતે પાલન થયું નથી. અધિકારીએ એવરેસ્ટ સામે ખોટી રીતે હિંગ તૈયાર કરવા, ઓછી ગણવત્તા વાળી હિંગ બનાવવા તથા નિયમોનું પાલન ન કરવા અંગે વાત કહી હતી.
કંપનીનું મૌનવ્રત
એટલું જ નહીં આવનારા દિવસોમાં કંપની સામે પણ કાર્યવાહી થશે. લાલજી ગોંધુ એન્ડ કંપનીની કંપાઉન્ડ હિંગ ફૂડ ટેસ્ટ લેબમાં કરવામાં આવેલા પરીક્ષણમાં પણ સફળ થઈ ન હતી. લેબના રિપોર્ટ અનુસાર નબળી ગુણવત્તા હોવાનું સામે આવ્યું હતું. લેબલ ખોટું સાબિત થયું હતું. હિંગ ખાવા લાયક ન હતી. કંપની તરફથી કંપાઉન્ડ હિંગ તૈયાર કરવામાં ઉપયોગમાં લેવાતી કાચી હિંગની પણ તપાસ કરવામાં આવી હતી.જેમાં જરૂરિયાત કરતા વધારે સ્ટાર્ચ હતું. નિયમ અનુસાર હિંગમાં સ્ટાર્ચની માત્રા નક્કી કરેલા માપદંડ અનુસાર હોવી અનિવાર્ય છે. હિંગમાં સ્ટાર્ચની માત્રા 1 ટકાથી વધારે ન હોવી જોઈએ. આ કેસમાં વધારે હતી. FSSAIએ કંપની સામે કાયદેસરના પગલાં લેવાની પણ ચેતવણી આપી છે. આ મામલે હજુ સુધી કંપની તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.