Sat Sep 05 2026

Logo

અંદાજે 600 લોકોના મોત, 2500 લાપતા, 320 ભારતીયોના કોઇ સમાચાર નહીં... નેપાળમાં પૂરથી તબાહી વચ્ચે ફરી પૂરનો ખતરો

Kathmandu   2026-08-29 08:35:00
Author: Mumbai Samachar Team
અંદાજે 600 લોકોના મોત, 2500 લાપતા, 320 ભારતીયોના કોઇ સમાચાર નહીં... નેપાળમાં પૂરથી તબાહી વચ્ચે ફરી પૂરનો ખતરો

નેપાળમાં આવેલી ભીષણ તબાહીએ આંકડો 600ની નજીક પહોંચાડી દીધો છે. અત્યાર સુધી લગભગ 587 લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે 2500 લોકો લાપતા છે. આ આપત્તિમાં મોટી સંખ્યામાં ભારતીયો ફસાયેલા છે. અંદાજે 320 ભારતીયો સહિત ભારતીય મૂળના 100 લોકોનો હજુ સંપર્ક થઇ શક્યો નથી. રાહતની વાત એ છે કે તિબેટમાં ફસાયેલા લગભગ 400 ભારતીયોનો સંપર્ક સાધવામાં સફળતા મળી છે. અને તેઓ સુરક્ષિત છે. જો કે, શનિવારે સવારે  6:30 વાગ્યા સુધી ભોટેકાશી અને ત્રિશૂલી નદીમાં પાણીનું વહેણ સમાન્ય બતાવવામાં આવ્યું છે.

વરસાદા બાદ સૌથી મોટો પડકાર લોકોને શોધવાનો છે. પહાડી વિસ્તારોમાં અનેક રસ્તાઓ અને પુલ તણાઇ જવાથી બચાવદળને ત્યાં સુધી પહોંચવામાં ભારે પરેશાની થઇ રહી છે. નેપાલ રેડ ક્રોસના જણાવ્યા અનુસાર આ આપત્તિમાં 90 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂરની અસર જળવિદ્યુત પરિયોજનાઓ પર પડી છે. 13 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સથી જોડાયેલા અંદાજે 933 કર્મચારી લાપતા થયા છે. જેમાં 254 લોકોને બચાવી લેવાયા છે. બીજા અનેક સુરંગોમાં ફસાયેલા હોવાની આશંકા છે. એકલા અપર ત્રિશૂલી-1 પરિયોજનાથી 576 કર્મચારીઓનો હજુ સુધી કોઇ સંપર્ક થઇ શક્યો નથી.

તાજા સ્થિતિ શું છે?

તાજા જાણકારી અનુસાર શનિવારે સવારે 6:30 વાગ્યા સુધી ભોટેકાશી અને નુવાકોટથી વહેનારી ત્રિશુલી નદીમાં પાણીનું સ્તર સામાન્ય છે. પૂર આગાહી વિભાગે જણાવ્યું કે બન્ને નદીઓના જળસ્તરમાં અત્યારે કોઇ મોટો ઉતાર-ચઢાવ જોવા નથી મળ્યો. 

320 ભારતીયોનો સંપર્ક નહીં

સંકટ વચ્ચે ભારતના વિદેશ મંત્રાલય તરફથી એક મહત્વની જાણકારી સામે આવી છે. તાજા અપડેટ  અનુસાર 320 ભારતીય અને ભારતીય મૂળના 100 લોકો સંપર્ક વિહોણા છે. જેમાં અંદાજે 100 લોકો ત્રિશૂલી જળવિદ્યુત પરિયોજનામાં ફસાયેલા છે. 

જો કે રાહતની વાત એ છે કે તિબેટમાં ફસાયેલા લગભગ 400 ભારતીયોનો સંપર્ક સ્થાપિત થઇ ચૂક્યો છે. અને તેઓ સુરક્ષિત છે. તો સીમાની પાસે ફસાયેલા 96 ભારતીય નેપાળ પહોંચી ચૂક્યા છે. ભારતે નેપાળની મદદ માટે રાહત સામગ્રીની બે ખેપ મોકલી છે.

પૂરમાં ૩૬ થી વધુ પુલ ધોવાઈ ગયા હોવાથી, ઘણા ગામોનો સંપર્ક તૂટી ગયો છે. આના કારણે જરૂરિયાતમંદ લોકોને રાશન, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. રસ્તાઓને ઝડપથી ફરીથી જોડવા માટે, નેપાળે ભારત અને ચીન પાસેથી ૪૨ બેલી બ્રિજ બનાવવા માટે મદદ માંગી છે.

૨,૩૯૧ સૈન્ય કર્મચારીઓ સહિત કુલ ૭,૪૫૧ સુરક્ષા કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. ટીમો કાટમાળમાં ગુમ થયેલા લોકોને સતત શોધી રહી છે. દરમિયાન, ભોટેકોશી નદીના ઉપરના ભાગમાં બનેલા તળાવ પર પણ નજર રાખવામાં આવી રહી છે, કારણ કે તેના ભંગાણથી ફરીથી પૂરનું જોખમ ઊભું થઈ શકે છે..