મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સાંસદ કંગના રનૌતે પોતાના વિવાદો અને ટીકાઓને લઈને વિરોધીઓ પર આકરો પ્રહાર કર્યો છે. દિલ્હી એરપોર્ટની બહાર મીડિયા સાથે વાત કરતાં કંગનાએ કહ્યું હતું કે હવે ઘણું વધારે થઈ ગયું છે અને તે વારંવાર પોતાના વિરુદ્ધ થતી ટિપ્પણીઓથી કંટાળી ગઈ છે. કંગનાએ ટીકાકારોની ઝાટકણી કાઢતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભૂખ્યા-નગ્ન લોકોની હું એક વાત નહીં સાંભળું, પહેલા મારા જેટલી સફળતા મેળવી બતાવો.
કંગનાએ પોતાના નિવેદનમાં આશુતોષ રાણા, સોનુ સૂદ, રાખી સાવંત અને તાપસી પન્નુ સહિતના લોકોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો તેમના કામ અને વર્તન અંગે ટિપ્પણીઓ કરે છે, જ્યારે કેટલાકે તેમના માતા-પિતાનું પણ અપમાન કર્યું છે. કંગનાએ કહ્યું, “પહેલા તમે કંગના રનૌત બનીને બતાવો, પછી મને જ્ઞાન આપજો.” તેમણે પોતાના ટીકાકારોને નિષ્ફળ અને બિનજરૂરી લોકો ગણાવતા કહ્યું કે આવા લોકો તેમની ઉપર હાવી થઈ શકે નહીં.
કંગનાએ કહ્યું કે તેઓ દરેક વ્યક્તિની ટીકા સાંભળવા તૈયાર નથી. તેમણે સ્પષ્ટતા કરી કે જો કોઈ વ્યક્તિ તેમના કરતાં વધુ સફળ હોય તો તેઓ તેની વાત ચોક્કસ સાંભળશે. પરંતુ પોતાની સફળતા વગર માત્ર ટીકા કરનારા લોકોને તેઓ કોઈ મહત્વ આપવા માંગતી નથી. કંગનાના આ નિવેદનથી તેમના અને કેટલાક કલાકારો વચ્ચે ચાલી રહેલા વિવાદને ફરી વેગ મળવાની શક્યતા છે.
તાપસી પન્નુ સાથેના વિવાદનો ઉલ્લેખ કરતાં કંગનાએ કહ્યું કે કેટલાક લોકો તેમના માતા-પિતાને પણ નિશાન બનાવે છે. બીજી તરફ, ગયા સપ્તાહે બાબા રામદેવ સાથે પણ કંગનાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. આ તમામ વિવાદોની વચ્ચે કંગનાએ હવે પોતાના ટીકાકારોને એકસાથે જવાબ આપવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું છે.
બાબા રામદેવ અંગે ટિપ્પણી કરતી વખતે કંગનાએ વધુ આકરો અભિગમ અપનાવ્યો. તેણે કહ્યું કે રામદેવે તેમની દૃષ્ટિએ તમામ મર્યાદાઓ ઓળંગી છે અને એક મહિલા અંગે જે પ્રકારની ટિપ્પણી કરી તેનાથી સમગ્ર સમાજને શરમ અનુભવવી જોઈએ. કંગનાએ એવો પણ આરોપ લગાવ્યો કે તેમણે સનાતન ધર્મના વસ્ત્રો ધારણ કરીને જે પ્રકારની ટિપ્પણી કરી તેનાથી સનાતન ધર્મની છબીને નુકસાન થયું છે.
કંગનાના આ નિવેદન બાદ હવે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થવાની શક્યતા છે. એક તરફ કંગનાના સમર્થકો તેમના આકરા જવાબનું સમર્થન કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ તેમના ટીકાકારો તેમના શબ્દો સામે સવાલ ઉઠાવી શકે છે. જોકે, કંગનાએ પોતાના નિવેદનથી સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતાની ટીકા સામે ચૂપ રહેવાના મૂડમાં નથી.