નવી દિલ્હી/નવી મુંબઈ : સરકારે આજે તાત્કાલિક ધોરણે અમલી બને તેમ દુર્રમ સહિતની વેરાઈટીઓનાં ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કર્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ દ્વારા આજે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર સરકારે ઘઉંના લોટ, મેંદો અને સોજી (સિમેલિન) જેવી અન્ય ઘઉંની બનાવટોની નિકાસને પણ મંજૂરી આપી છે. નોંધનીય બાબત એ છે કે અગાઉ ગત ફેબ્રુઆરીમાં સરકારે ઘઉંના મર્યાદિત શિપમેન્ટને મંજૂરી આપી હતી. જોકે, હવે ઘઉંની નિકાસ નીતિ તાત્કાલિક ધોરણે પ્રતિબંધમાંથી મુક્ત કરવામાં આવી હોવાનું નોટિફિકેશનમાં ઉમેર્યું હતું.
સરકારનાં નિકાસ પ્રતિબંધનાં નિર્ણયથી લાંબા સમયથી સુષુપ્ત અવસ્થામાં રહેલી ઘઉંની બજાર બહાર આવી હોવાનું નવી મુંબઈ એપીએમસી માર્કેટનાં વિશ્લેષક દેવેન્દ્ર અમૃતલાલ વોરાએ જણાવતાં ઉમેર્યું હતું કે સરકાર પાસે ગત 31મી જુલાઈના રોજ 5.10 કરોડ ટન જેટલો પર્યાપ્ત માત્રામાં ચમકવિહોણા ઘઉંનો સ્ટોક હતો જે લાંબો સમય સુધી ટકે તેમ ન હોવાથી તેનો નિકાસ કરવો પણ જરૂરી હતો.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગત 12મી જાન્યુઆરીથી 50 લાખ ટન ઘઉં અને 10 લાખ ટન ઘઉંની આડપેદાશોની નિકાસની શરતી છૂટ આપવામાં આવી હતી, પરંતુ આકરાં નિયંત્રણો હોવાથી યુરોપિયન અને આફ્રિકન દેશોમાં પૂછપરછ હોવા છતાં નિકાસમાં અવરોધ આવતા હતા. કેમ કે 10 હજાર ટન ઘઉં અને 2500 ટન મેંદો અને લોટમાં નિકાસ સિંગલ બાયર વિદેશોમાં બંધબેસતા નહોતા. જોકે, સરકારને વારંવાર ઈ-મેઈલ અને અખબારી યાદી મારફતે વેપારીઓ દ્વારા જાણકારી આપવામાં આવતી હતી, પરંતુ શક્ય છે કે સરકારે અલ નિનોની સંભવિત અસરને ધ્યાનમાં લેતા થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હોય.
સરકારે ઓપન સેલ સ્કીમની ભાવ સાથે જાહેરાત કરતાં સ્થાનિકમાં પણ ભાવ કાબૂમાં રહે તેવી વ્યવસ્થા સાથે નિયંત્રણો દૂર કરતાં બજારમાં નિકાસના ઉજળા સંજોગો નિર્માણ થયા છે. જોકે, ઘઉંની નિકાસ બાબતે જોઈએ તો હાલમાં ખેડૂતો કે નાના સ્ટોકિસ્ટો પાસે પણ હાલમાં માલ નહીંવત્ છે, પરંતુ સરકાર પાસે જે મોટી માત્રામાં માલ છે તેની નિકાસ થતાં ફ્રી રેશનની થોડીઘણી નુકસાની સરભર થશે, એમ તેમણે જણાવતા ઉમેર્યું હતું કે આ નિર્ણયથી ઘઉંની બનાવટોના સાહસિકોને નક્કી સુવર્ણ તક મળશે અને ડચકા ખાતી ફ્લોર મિલો પુનઃ જીવિત થશે.
વધુમાં આગામી વર્ષમાં ઘઉંનું વાવેતર વધે તે માટે પણ ખેડૂતોને પોસાણક્ષણ ભાવ મળશે. જોકે, મુક્ત વેપારના સમયમાં સરકારે આ નિર્ણય વિલંબથી લીધો છે. અર્થાત્ બાબુશાહીમાં અટવાયેલા મંત્રાલયોને છેવટે જ્ઞાન થયું હોવાથી એકંદરે બજાર, ખેડૂતો અને નિકાસકારો માટે આ નિર્ણય આવકાર્ય ગણી શકાય એમ તેમણે જણાવ્યું હતું.
એકંદરે જો દેશમાં વર્ષે 12 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો સરકારે નિડર નિર્ણયો લેવા જ પડશે, ભારતનાં ખેડૂતોને વિશ્વ બજારમાં સ્થાન મળે તો લઘુતમ ટેકાના ભાવની કાયમી ચુંગાલમાંથી છૂટકારો મળી શકે, એમ તેમણે જણાવતા ઉમેર્યું હતું કે સરકાર ઓપન સેલ સ્કીમમાં કેટલી માત્રામાં ઘઉં છુટા કરશે તેના પર સ્થાનિક બજારની વધઘટ અવલંબિત રહેશે.