નવી દિલ્હીઃ ખાંડ ઉદ્યોગના અગ્રણી સંગઠન ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન (ઈસ્મા)એ આજે જણાવ્યું હતું કે દેશમાં ખાંડની કોઈ અછત નથી અને રિટેલ સ્તરે ભાવમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરી છે. અત્રે પત્રકાર પરિષદને સંબોધતા ઈસ્માના પ્રમુખ નિરજ શિરગાવકરે જણાવ્યું હતું કે ટ્રેડરો અને ઔદ્યોગિક વપરાશકારો દ્વારા થયેલી સટ્ટાકીય લેવાલી ઉપરાંત પ્રતિકૂળ હવામાનને કારણે ઉત્પાદન ઓછું થવાની ભીતિ સહિતના કારણોસર ખાંડના ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું છે. વધુમાં તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે કૃત્રિમ અછત ઊભી કરવામાં અને એક્સ મિલ ધોરણે ભાવવધારામાં ખાંડ મિલો બિલકુલ સંડોવાયેલી નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકારે 10 લાખ ટન કાચી ખાંડની ડ્યૂટીમુક્ત આયાત કરવાની જાહેરાત કરવાની સાથે ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું છે અને દેશમાં ખાંડની કોઈ અછત ન હોવાનું તેમણે ઉમેર્યું હતું. ઈસ્માના મતાનુસાર વર્તમાન ખાંડ મોસમના અંતે અથવા તો સપ્ટેમ્બરનાં અંતે દેશમાં ખાંડનો આખર માલનો સ્ટોક 35 લાખ ટન જેટલો રહેશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ખાંડ મિલો આગામી 15મી ઑક્ટોબર આસપાસ પિલાણ શરૂ કરશે અને ઑક્ટોબર મહિનામાં દેશની સરેરાશ વપરાશી માગ 24થી 25 લાખ ટન રહેવાનો અંદાજ છે.