અમદાવાદ: નડિયાદના એક યુવાનને ફિનો પેમેન્ટ બેંકની ગોલ્ડ લોન સ્કીમમાં રોકાણ કરવા પર ઊંચા કમિશન અને પગારની લાલચ આપી બેંકના જ ઉચ્ચ અધિકારીઓએ રૂપિયા 2.46 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાની સનસનીખેજ ઘટના બહાર આવી છે. આ મામલે સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગર ખાતે બેંકના ગુજરાત અને મહારાષ્ટ્રના ઝોનલ હેડ સહિત ચાર ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.
પોલીસ ફરિયાદ અનુસાર, નડિયાદના વૈશાલી રોડ પર રહેતા અને બેન્કિંગ સેવાઓનું કામ કરતા ફરિયાદી કિરણકુમાર પ્રજાપતીને ફિનો બેંકના ગુજરાત-મહારાષ્ટ્ર ઝોનલ હેડ કલ્પિત સોની, ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ સુરેન્દ્ર શર્મા, હિમાંશુ મિશ્રા અને શૈલેશ પાંડેએ સંપર્ક કર્યો હતો. આ અધિકારીઓએ ફરિયાદીને બેંકના 'સુપર ડિસ્ટ્રીબ્યુટર' બનાવી ગોલ્ડ લોન સ્કીમમાં દર એક લાખના રોકાણ સામે રૂ. 500 કમિશન અને માસિક રૂ. 9000 પગાર તેમજ અન્ય ભથ્થાની લાલચ આપી હતી. રોકાણકારનો વિશ્વાસ કેળવવા માટે આરોપીઓએ બેંકના લેટરપેડ પર બનાવટી કરાર પણ કરી આપ્યા હતા.
આ મનમોહક સ્કીમમાં વિશ્વાસ મૂકીને ફરિયાદી તેમજ તેમના સગા-સંબંધીઓ અને અન્ય રોકાણકારોએ ડિસેમ્બર 2021 થી મે 2023 ના સમયગાળા દરમિયાન વિવિધ બેંક ખાતા, રોકડ અને આંગડિયા મારફતે કુલ રૂ. 2,46,50,000 આરોપીઓને ચૂકવ્યા હતા. રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવા કૌભાંડીઓએ શરૂઆતમાં 30 લાખ રૂપિયા જેટલું કમિશન ચૂકવ્યું હતું, પરંતુ ત્યારબાદ કમિશન કે રોકેલી મૂળ રકમ પરત આપવાનું બંધ કરી દીધું હતું.
લાંબા સમય સુધી નાણાં પરત ન મળતા ફરિયાદીએ મુંબઈ હેડ ઓફિસ ખાતે કંપનીના સી.ઈ.ઓ. અને અન્ય અધિકારીઓને રજૂઆત કરી હતી, છતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને નાણાં પરત આપવાનો ઇનકાર કરાયો હતો. આખરે છેતરપિંડીનો અહેસાસ થતાં ભોગ બનનારે સી.આઈ.ડી. ક્રાઈમનો સંપર્ક કર્યો હતો. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આઈ.પી.સી. ની કલમ 409, 420, 120(B), 467, 468 અને 471 મુજબ ગુનો નોંધી આર્થિક ગુના નિવારણ શાખાને વધુ તપાસ સોંપી છે.