Tue Sep 08 2026

Logo

અમરાવતી હોસ્પિટલ અગ્નિકાંડ: 3 માસૂમના મોત બાદ સરકાર જાગી, 7 સભ્યની સમિતિ 8 દિવસમાં અહેવાલ આપશે

2026-08-24 21:01:03
Author: Mumbai Samachar Team
અમરાવતી હોસ્પિટલ અગ્નિકાંડ: 3 માસૂમના મોત બાદ સરકાર જાગી, 7 સભ્યની સમિતિ 8 દિવસમાં અહેવાલ આપશે

અમરાવતી: મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી જિલ્લા મહિલા હોસ્પિટલના નવજાત શિશુ સંભાળ એકમમાં સોમવારે વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં ત્રણ નવજાત શિશુનાં મોત થયા હતા. 36 અન્ય નવજાત શિશુઓને ધુમાડાથી ભરાયેલા નવજાત શિશુ સંભાળ એકમમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.આ ઘટનાની ગંભીરતા જોતા સફાળી જાગેલી રાજ્ય સરકારે સાત સભ્યોની તપાસ સમિતિ બનાવી છે. આ સમિતિ આઠ દિવસમાં અહેવાલ સોંપશે.

આરોગ્ય પ્રધાન પ્રકાશ અબિટકરે હોસ્પિટલની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે હોસ્પિટલમાં સામે આવેલી ગેરરીતિઓને અતિશય ગંભીર ગણાવી હતી. ખાસ વાત એ છે કે હોસ્પિટલનું નિર્માણ માત્ર બે વર્ષ પહેલાં થયું હતું. આવી નવી હોસ્પિટલમાં આગની ઘટના બનવી અત્યંત ચિંતાજનક બાબત હોવાનું તેમણે જણાવ્યું હતું.

આગ સોમવારે સવારે આશરે 3.30 વાગ્યે નવજાત શિશુના સંભાળ એકમમાં લાગી હતી. આ વિભાગમાં સમય પહેલાં જન્મેલા, ઓછા વજનવાળા અને ગંભીર સ્થિતિમાં રહેલા નવજાત શિશુઓની સારવાર ચાલી રહી હતી. આગ બાદ આ સમગ્ર એકમમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. બચાવ કામગીરી દરમિયાન 36 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

નવી નિમાયેલી તપાસ સમિતિની અધ્યક્ષતા રાજ્યના આરોગ્ય કમિશનર કરશે. આ સમિતિમાં મહારાષ્ટ્ર રાજ્ય વીજ વિતરણ કંપનીના અધિકારીઓ, અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના નિષ્ણાતો અને તબીબી શિક્ષણ નિયામકાલયના પ્રતિનિધિઓનો સમાવેશ થશે. આગનું ચોક્કસ કારણ અને અગ્નિસુરક્ષા વ્યવસ્થામાં થયેલી સંભવિત બેદરકારીની તપાસ કરવામાં આવશે.

આરોગ્ય પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે તપાસમાં જે કોઈ દોષિત અથવા જવાબદાર ઠરશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન આરોગ્ય વિભાગ મંગળવારે રાજ્યની તબીબી માળખાકીય સુવિધાઓ અને આરોગ્ય વ્યવસ્થાની કામગીરીની સમીક્ષા કરશે. અમરાવતીની ઘટના બાદ અન્ય સરકારી હોસ્પિટલોમાં પણ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી શક્યતા છે.