Thu Sep 10 2026

Logo

મુંબઈમાં MCAના 5 ફૂડ આઉટલેટ્સ સામે એફડીએની મોટી કાર્યવાહીઃ લાઈસન્સ સસ્પેન્ડ

2026-08-24 20:51:10
Author: Mumbai Samachar Team
મુંબઈમાં MCAના 5 ફૂડ આઉટલેટ્સ સામે એફડીએની મોટી કાર્યવાહીઃ લાઈસન્સ સસ્પેન્ડ

મુંબઈ: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ના પરિસરમાં આવેલા પાંચ ખાદ્ય આઉટલેટ્સના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા છે. ખાદ્ય સુરક્ષા નિયમોના ઉલ્લંઘન અને સ્વચ્છતામાં ખામીઓ સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

એફડીએની તપાસમાં પરમિટ રૂમ, પેવેલિયન, મેડિટેરેનિયન, ઓરિએન્ટલ સ્વિંગ અને ક્લબવે એન્ડ પેસ્ટ્રી કાઉન્ટરમાં ખાદ્ય પદાર્થોના સંગ્રહ, રેફ્રિજરેશન, તાપમાન નિયંત્રણ અને રસોડાની સ્વચ્છતા અંગે ખામીઓ મળી હતી. કેટલાક સ્થળોએ ફ્રિજમાં બરફ જામી ગયો હતો, ફ્લોર પણ અસ્વચ્છ હતો અને ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવતા નહોતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પરમિટ રૂમમાં રસોઈના તેલની નિયમિત તપાસ ન થતી હોવાનું તથા પેકેજિંગ સામગ્રી માટે જરૂરી પ્રમાણપત્રો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું હતું. પેવેલિયનમાં ફ્રોઝન ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે પીગાળવામાં આવતા નહોતા, જ્યારે મેડિટેરેનિયનમાં ખાદ્ય સાધનોની પૂરતી સફાઈ અને તાપમાન નિયંત્રણમાં ખામી મળી હતી.

ઓરિએન્ટલ સ્વિંગમાં રેફ્રિજરેશન સિસ્ટમનું માપાંકન યોગ્ય નહોતું અને રસોડાની સ્વચ્છતા પણ નબળી હતી. ક્લબવે એન્ડ પેસ્ટ્રી કાઉન્ટરમાં કાચા ખોરાકનો અયોગ્ય સંગ્રહ, કર્મચારી પાસે હાથમોજાંનો અભાવ અને ધૂળ-ગંદકી તથા જીવજંતુઓથી બચાવની અપૂરતી વ્યવસ્થા જોવા મળી હતી.

એફડીએએ મુંબઈ ઉપરાંત માહિમના લેનેક્સિસ ફૂડવર્ક્સ, શિવાજી પાર્કના કેફે કેડેલ, મુલુંડના ચાઈના ટાઉન ફાસ્ટ ફૂડ સેન્ટર, પુણેના મોર્યા મિસળ અને નાગપુરના સાઓજી ઉપહારગૃહો સામે પણ કાર્યવાહી કરી હતી.

ચાઈના ટાઉન ફાસ્ટ ફૂડ સેન્ટરમાં વધુ પડતા કૃત્રિમ રંગ અને સ્વાદવર્ધક પદાર્થનો ઉપયોગ, જૂના રસોઈ તેલનો વારંવાર ઉપયોગ, વંદાનો ઉપદ્રવ અને શાકાહારી-માંસાહારી ખોરાક વચ્ચે દૂષણનું જોખમ મળી આવ્યું હતું. જ્યારે મોર્યા મિસળમાં કૃત્રિમ રંગ તેમ જ સમયસીમા પૂર્ણ થયેલા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ સામે આવ્યો હતો.