પાકિસ્તાના મોટા ધાર્મિક અને રાજકીય નેતા મૌલાના ફઝલુર રહેમાને ફરી એકવાર સેના પ્રમુખ આસિમ મુનીર પર નિશાન તાક્યું છે. તેણે પાકિસ્તાનની હાલની સ્થિતિની તુલના 1971ના સમયની સાથે કરતા સેનાની તાકાતના દાવા પર સવાલો ઉભા કર્યા. તેમના નિવેદનમા પાકિસ્તાનના તૂટવા અને તેની ભૌગોલિક સરહદોમા ફેરફારની આશંકા સ્પષ્ટ રીતે વ્યક્ત કરી.
ફઝલુર રહેમાને કહ્યું કે તેઓ માને છે કે તેમના નેતૃત્વની પાસે તાકાત છે પરંતુ ઇતિહાસને ન ભુલવો જોઇએ. તેમણે ડિસેમ્બર 1971નો ઉલ્લેખ કરીને કહ્યું કે ભારતની સામે હથિયાર નાંખવાના એક દિવસ પહેલા જનરલ યાહ્યાખાને પાકિસ્તાનની જનતાને સંબોધિત કરી રહ્યા હતા કે સેના ગલીગલી અને ખેતરોથી લઇને પહાડો સુધી લડશે. પરંતુ બીજા જ દિવસે પાકિસ્તાની સેનાએ હથિયાર હેઠા મૂકી દીધા.
પાકિસ્તાનના મૌલાનાએ કહ્યું, "આવા મોટા મોટા વચનો તો આપણે તે સમયે પણ સાંભળ્યા હતા." ફઝલુર રહેમાને સવાલ કર્યો કે જ્યારે પાકિસ્તાનની જનતા એટલી મુશ્કેલીમાંથી પસાર થઇ રહી છે તો તેને સતત મુશ્કેલીમાં કેમ નાંખવામાં આવી રહી છે.
બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વાનો ઉલ્લેખ
મૌલાનાએ બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વાની હાલત પર પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ છે અને સતત લોહી વહી રહ્યું છે. તેમણે પીઓકેના રાવલકોટમાં લાંબા સમયથી ચાલી રહેલા પ્રદર્શનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ત્યાંના લોકો 3 મહિનાથી પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ તેમની સાથે વાતચીત કરવામાં નથી આવી રહી. ફઝલુર રહેમાને ચેતવણી આપી કે આવી સ્થિતિમાં અલગતાવાદી તત્વોને મજબૂત થવાની તક મળી શકે છે.