(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં એક ઘરમાં ગૅસ ગળતર અને ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં રવિવારે બે મહિલા સહિત ઓછામાં ઓછા ત્રણ લોકો જખમી થયા હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
ઐરોલીના સેક્ટર-૨૦માં જય મલ્હાર ઍપાર્ટમેન્ટ પાસે આવેલી રૂમ નંબર ૨૦૨માં બપોરે એક વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. ઇમરજન્સી ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી.
ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે આગમાં જખમી થયેલા લોકોને તાત્કાલિક તબીબી સારવાર માટે ઐરોલીના સેક્ટર-૧૩માં નેશનલ બર્ન્સ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. નેશનલ બર્ન્સ સેન્ટર ખાતે ડૉ. સુશાંત સુતારે જણાવ્યું હતું કે ત્રણે વ્યક્તિ હાલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ (આસીયુ)માં દાખલ છે. આગની ઘટનામાં તેઓ ૨૮ ટકાથી ૮૧ ટકા સુધી દાઝી ગયા હતા.