(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)ના ભારત ડાયમંડ બુર્સ (બીડીએસ)ની કંપનીએ 98 લાખ રૂપિયા લઈને ફ્રાન્સમાં કૃત્રિમ હીરો મોકલાવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. નક્કી કરેલા સમય કરતાં કંપનીએ હીરાની ડિલિવરી 18 મહિના મોડી કરી હતી અને એ હીરો કૃત્રિમ હોવાનો અહેવાલ ફ્રાન્સની લૅબોરેટરીએ આપ્યો હતો, જેને પગલે મામલો પોલીસ સ્ટેશને પહોંચતાં ડાયમંડ કંપનીના પ્રતિનિધિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
બીકેસી પોલીસના જણાવ્યા મુજબ ફ્રાન્સની મહિલા સાથે 98 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી થઈ હતી. મહિલા વિદેશમાં રહેતી હોવાથી તેના પ્રતિનિધિ તરીકે ચેમ્બુરના વકીલે પોલીસ ફરિયાદ કરી હતી. દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી બાદ બુધવારે રિમેશ શાહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
ફ્રાન્સના પૅરિસમાં રહેતી મલિકા અફિસીએ શાહની કંપનીમાંથી અગાઉ હીરાની ખરીદી કરી હતી. તે સમયે પસંદ કરેલો હીરો જ ફ્રાન્સમાં પહોંચાડવામાં આવ્યો હતો. ત્યાંની લૅબોરેટરીએ પણ તે અંગે ખાતરી કરી હતી. પરિણામે મલિકાનો કંપની પર વિશ્ર્વાસ બેસી ગયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઑગસ્ટ, 2023માં મલિકા ભારતમાં ફરવા આવી હતી. તે સમયે મલિકા મુંબઈમાં બીકેસી સ્થિત કંપનીની ઑફિસમાં ગઈ હતી. મલિકાએ 98 લાખ રૂપિયાનો હીરો પસંદ કર્યો હતો, જેની ડિલિવરી ફ્રાન્સમાં અઠવાડિયામાં થઈ જશે, એવી ખાતરી કંપનીના પ્રતિનિધિએ આપી હતી. આ માટે મલિકાએ ઑનલાઈનથી 1.17 અમેરિકન ડૉલર ચૂકવ્યા હતા.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે મહિના સુધી હીરાની ડિલિવરી ન થતાં મલિકાએ કંપનીના રિમેશ શાહનો વૉટ્સઍપથી સંપર્ક સાધ્યો હતો. શાહે હીરો ઈટલીના મિલાનમાંથી લેવો પડશે કહીને ત્યાંની કંપનીના પ્રતિનિધિ અલીનો નંબર આપ્યો હતો. મલિકાએ અલીનો સંપર્ક સાધતાં તેણે ફ્રાન્સમાં હીરાની ડિલિવરી કરવા માટે 44 લાખ રૂપિયા વૅટ ચૂકવવો પડશે, એમ કહ્યું હતું, જે આપવાનો મલિકાએ ઇનકાર કર્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે શાહે પણ શિપમેન્ટ ફી તરીકે 800 ડૉલરની માગણી કરી હતી. વારંવાર હીરા પૂછપરછ કર્યા બાદ છેક 18 મહિને ફેબ્રુઆરી, 2025માં મલિકાને એક કુરિયર મળ્યું હતું, જેમાં હીરો હતો. એ હીરાની ચકાસણી ફ્રાન્સની લૅબમાં કરવામાં આવતાં કેમિકલ વેપર ડિપોઝિશન (સીવીડી) ટેક્નોલૉજીથી લૅબમાં વિકસાવેલો કૃત્રિણ હીરો હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. બાદમાં આ અંગે મલિકા દ્વારા વિવિધ ઠેકાણે ફરિયાદ કરવામાં આવી હતી. છેલ્લે ભારત ડાયમંડ બ્રુસની કમિટીને પણ આ અંગે જાણ કરાઈ હતી. સમસ્યાનું સમાધાન ન મળતાં આખરે પોલીસ ફરિયાદ કરાઈ હતી.
બીકેસી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સુરેશ પડવીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે આ મામલે તબક્કાવાર તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.