નવી દિલ્હી: દેશમાં અચાનક વધેલા ખાંડના ભાવ વચ્ચે સરકારે કાળા બજારીઓ પણ લગામ કસી છે. સરકારના આ પગલાંના લીધે ખાંડના ભાવમાં પ્રતિ કિલોગ્રામ પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.આ ઉપરાંત કેન્દ્ર સરકારે પુરવઠાને જાળવી રાખવા માટે બ્રાઝિલથી ખાંડ આયાત કરવાનો નિર્ણય લીધો છે.
આ દરમિયાન નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીઝે 2025-26 ખાંડ સીઝન માટે દેશના ચોખ્ખા ખાંડ ઉત્પાદનનો અંદાજ 279 લાખ ટન જાળવી રાખ્યો છે. ખાંડ સીઝન ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. આ અંદાજમાં ઇથેનોલ ઉત્પાદન માટે ડાયવર્ટ કરાયેલી આશરે 24 લાખ ટન ખાંડનો સમાવેશ થતો નથી. ફેડરેશન અનુસાર, 1 ઓક્ટોબરથી શરૂ થતી 2026-27 સીઝનની શરૂઆતમાં લગભગ 35 લાખ ટન ખાંડનો સ્ટોક ઉપલબ્ધ થવાની સંભાવના છે.
10 લાખ ટન સુધીની કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી
આ ઉપરાંત 20 ઓગસ્ટના રોજ સરકારે 10 લાખ ટન સુધીની કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી હતી. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો હતો જ્યારે સ્થાનિક બજારમાં ખાંડના ભાવમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો હતો.
ખાંડના ભાવમાં 24 ટકાનો વધારો
દેશમાં એક મહિનાની અંદર ખાંડના ભાવમાં 24 ટકાનો વધારો થયો હતો. સરકારે આયાતને મંજૂરી આપવાની સાથે સંગ્રહખોરી વિરુદ્ધ પણ કાર્યવાહી વધુ તીવ્ર બનાવી હતી.
બ્રાઝિલથી ભારતીય પોર્ટ સુધી ખાંડ આવતા 45 દિવસ લાગશે
આ ઉપરાંત બ્રાઝિલથી ભારતીય પોર્ટ સુધી ખાંડ આવતા 45 દિવસનો સમય લાગે છે. ત્યારબાદ કાચી ખાંડ બંદરોથી મિલોમાં વધુ પ્રક્રિયા માટે પરિવહન કરવામાં આવે છે. તેમજ સરકારે જણાવ્યું છે કે, 15 ઓક્ટોબર સુધીમાં ભારતમાં પહોંચનાર ખાંડના કુલ જથ્થાનો અંદાજ લગાવવો હાલમાં શક્ય નથી. જો કે આ તારીખ પહેલાં કેટલાક કન્સાઇન્મેન્ટ પહોંચવાની પ્રબળ સંભાવના છે.
દર મહિને 22 લાખ ટન ખાંડનો વપરાશ
દેશ દર મહિને આશરે 22 લાખ ટન ખાંડનો વપરાશ કરે છે. ફેડરેશનનો અંદાજ છે કે નવેમ્બર સુધીમાં પણ 15 થી 20 લાખ ટન ખાંડ ઉપલબ્ધ રહેશે. આ સમયગાળા દરમિયાન, શરૂઆતની પિલાણ કામગીરીમાંથી નવી ખાંડ પણ બજારમાં આવવાનું શરૂ થશે.