Mon Sep 07 2026

Logo

સુપ્રીમ કોર્ટનો CJPની 5 સપ્ટેમ્બરની માર્ચ પર રોક લગાવવાનો ઈનકાર: બ્રિક્સ સમિટ પહેલા સુનાવણી યોજાશે

2026-08-31 15:07:08
Author: Mayur Patel
સુપ્રીમ કોર્ટનો CJPની 5 સપ્ટેમ્બરની માર્ચ પર રોક લગાવવાનો ઈનકાર: બ્રિક્સ સમિટ પહેલા સુનાવણી યોજાશે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 5 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી માર્ચ પર રોક લગાવવાની અરજી પર તાત્કાલિક હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે,  કોઈ દુર્ઘટના થશે તેવો અંદાજ લગાવી શકાય તેવું કોઈ કારણ નથી. અરજીમાં એવી માંગ કરવામાં આવી હતી કે 12-13 સપ્ટેમ્બરે યોજાનારી બ્રિક્સ સમિટ પૂર્ણ થાય ત્યાં સુધી આ માર્ચ પર રોક લગાવવામાં આવે.  

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું કે અધિકારીઓ પાસેથી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની તેમ જ તમામ પક્ષો શાંતિપૂર્ણ, જવાબદાર અને કાયદા અનુસાર વર્તન કરે તે સુનિશ્ચિત કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. 

અરજદારે ફરી એકવાર અરાજકતા સર્જાવવાની આશંકા વ્યક્ત કરીને કોર્ટના હસ્તક્ષેપની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતા જણાવ્યું કે તેઓ કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરે અને અરજીની નકલ સોલિસિટર જનરલને સોંપે.

10 સપ્ટેમ્બરે મુખ્ય કેસની સાથે આ અરજીની પણ સુનાવણી હાથ ધરવામાં આવશે. એક નિવૃત્ત પોલીસ અધિકારી દ્વારા દાખલ કરાયેલી આ અરજીની પેરવી માટે વકીલ સૈયદ રિઝવાન હાજર રહ્યા હતા.

CJP શા માટે માર્ચ કરશે?

અભિજીત દીપકેની પાર્ટી CJPએ કેન્દ્ર સરકાર પર વચનભંગનો આરોપ લગાવ્યો હતો. CJPએ 24 ઓગસ્ટે જણાવ્યું હતું કે પાર્ટી 25 જુલાઈએ યુવાનો સાથે કરેલા વચનો પૂરા ન કરવા બદલ આકરી નિંદા કરે છે, ખાસ કરીને એ વચનો જે વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી FIR પાછી ખેંચવા સાથે જોડાયેલા હતા.

પાર્ટીએ કહ્યું, સરકાર તરફથી મળેલા આશ્વાસનો પૂરા કરવામાં સતત વિલંબને ધ્યાનમાં રાખીને, CJPની રાષ્ટ્રીય કાર્ય સમિતિએ શાંતિપૂર્ણ રીતે લોકોને એકત્ર કરવાનું અભિયાન ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. 5 સપ્ટેમ્બરે, CJP નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટથી દિલ્હી પોલીસ હેડક્વાર્ટર સુધી યુવાનોની એક શાંતિપૂર્ણ માર્ચનું આયોજન કરશે.