Tue Sep 08 2026

Logo

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 કર્ટેન રેઈઝરઃ  મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુજરાતમાં રોકાણ કરવા આપ્યું આમંત્રણ

2026-08-31 18:16:16
Author: Pooja Shah
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 કર્ટેન રેઈઝરઃ  મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુજરાતમાં રોકાણ કરવા આપ્યું આમંત્રણ

અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે મંગળવારે દિલ્હી ખાતે ઉદ્યોગ સાહસિકો, ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓ અને વૈશ્વિક સ્તરે રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. 
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના કર્ટેન રેઈઝર કાર્યક્રમમમાં દિલ્હી ખાતે ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી વિચારશક્તિથી શરૂ થયેલી  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે વિશ્વને સંદેશ આપ્યો છે કે નીતિમાં સ્થિરતાં, નિર્ણયમાં પારદર્શિતા અને વ્યવસ્થામાં ગતિ હોય ત્યાં રોકાણકારો આપોઆપ આકર્ષિત થાય છે.

મુખ્ય પ્રધાને ઇન્વેસ્ટર્સ અને બિઝનેસ લીડર્સને ગુજરાતમાં રોકાણથી વિકાસયાત્રામાં સહભાગી બનવા નિમંત્રણ પાઠવતાં રાજ્યમાં હરેક નિવેશને વિકાસનું માધ્યમ, ઉદ્યોગને રોજગારનો આધાર, ઇનોવેશનને ભારતની શક્તિ બનાવીને વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત 2047ના નિર્માણમાં ભાગીદાર બનવા આ આહવાન કર્યું હતું.વિકસિત ગુજરાત-શેપિંગ ગ્લોબલ ફ્યુચરની થીમ સાથે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ 2027 ગુજરાતને સોફ્ટ પાવર, સેમિકન્ડક્ટર, ફીન્ટેક, ગ્રીન હાઈડ્રોજન, એ.આઈ. જેવા ઉભરતાં સેક્ટર્સ અને ગ્રીન ગ્રોથ પર વિશેષ ફોકસ કરનારી રહેશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાત  ડેવલોપમેન્ટના રોલ મોડલ તરીકે ડેવલપમેન્ટ વિથ ડિલિવરીના મૂળ મંત્ર સાથે આગળ વધ્યું છે તેની વિશદ ભૂમિકા આપતા ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે માત્ર રોડ, રસ્તા, વીજળી, પાણી કે ઉદ્યોગ એટલે ગુજરાત મોડેલ એવી સીમિત વ્યાખ્યા નથી રાખી. ગુજરાતે એક એવી ઇકોસિસ્ટમ નિર્માણ કરી છે જ્યાં ઇન્વેસ્ટર્સને જમીન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત પોલીસી સ્ટેબિલિટી, સ્પીડ ટ્રાન્સપેરન્સી, સ્કિલ્ડ મેનપાવર અને વિશ્વાસ તથા સુરક્ષા બધું જ એક સાથે મળી રહે છે. 

મેન્યુફેક્ચરિંગ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતની કેપેસિટી, એગ્રીકલ્ચરમાં પ્રોડક્ટિવિટી, ટેકનોલોજીમાં ઇનોવેશન, ગતિશક્તિમાં કનેક્ટિવિટી, ડિફેન્સમાં મેન્યુફેક્ચરિંગ, ગ્રીન અને બ્લુ ઇકોનોમીમાં નેચરલ સ્ટ્રેન્થ અને સોફ્ટ પાવરમાં સંસ્કૃતિ આ બધાને સાથે જોડીને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027થી વડાપ્રધાનના સપ્ત ધારા સંકલ્પને ગતિ આપવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો. નવી દિલ્હીના ભારત મંડપમાં સૌપ્રથમવાર યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની આ પ્રમોશનલ ઇવેન્ટમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો, નિવેષકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.