આરોપી મેઘાને કોર્ટે એક દિવસની પોલીસ કસ્ટડીમાં સોંપી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રામાં ફોન પર વાત કરતી વખતે બેદરકારીથી કાર ચલાવીને આઠ વર્ષના બાળકને કચડવાના કેસમાં ધરપકડ કરાયેલી મેઘા રાવલને કોર્ટે એક દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી. મેઘાની કારની અડફેટે જીવ ગુમાવનારો અંશ માતા-પિતાનો એક માત્ર સંતાન હતો અને ઘટનાના ત્રણ દિવસ બાદ જ તેનો જન્મદિવસ હતો.
બાન્દ્રા પશ્ર્ચિમમાં માઉન્ટ મેરી ચર્ચ નજીક જિજામાતા ગાર્ડન સામે રવિવારની બપોરે 2.15 વાગ્યાની આસપાસ આઠ વર્ષના અંશ ગુપ્તાને કારે અડફેટે લીધો હતો. ગંભીર હાલતમાં હૉલી ફૅમિલી હૉસ્પિટલ લઈ જવાયેલા અંશનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ કેસમાં બાન્દ્રા પોલીસે કાર ડ્રાઈવ કરતી મેઘા રાવલની રવિવારે જ ધરપકડ કરી હતી.
ડીસીપી મોહિત ગર્ગે જણાવ્યું હતું કે બાન્દ્રા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. મેઘાને સોમવારે બાન્દ્રા કોર્ટમાં હાજર કરાઈ હતી. કોર્ટે તેને એક દિવસની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
મળતી માહિતી અનુસાર અંશના પિતા રવીન્દ્ર ગુપ્તા સિંગ-ચણા વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. લગ્નનાં છેક 15 વર્ષે દંપતીને અંશ જન્મ્યો હતો. એક માત્ર દીકરાને દંપતી લાડકોરથી ઉછેરતું હતું. બીજી સપ્ટેમ્બરે અંશનો જન્મદિન હતો, પરંતુ તે પહેલાં જ અકસ્માતમાં તેનો જીવ ગયો હતો.
રવિવારની બપોરે જિજામાતા ગાર્ડન જવા માટે અંશ રસ્તો ઓળંગતો હતો ત્યારે આ ઘટના બની હતી. ઘટનાસ્થળે હાજર સાક્ષીઓના કહેવા મુજબ મહિલા મોબાઈલ ફોન પર વાત કરતી કાર ડ્રાઈવ કરતી હતી, જેને પગલે અકસ્માત થયો હતો. પોલીસ આ અંગે તપાસ કરવા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે.
પોલીસે આરોપી મહિલાના લોહીના નમૂના તપાસણી માટે લૅબોરેટરીમાં મોકલી આપ્યા હતા. બાળકના વડીલોએ દાવો કર્યો હતો કે ઘટના સમયે મહિલા નશામાં હતી. જોકે પ્રાથમિક તપાસ બાદ આ અંગે પોલીસે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. પોલીસ લૅબોરેટરીના અહેવાલની રાહ જોઈ રહી છે.