Wed Aug 19 2026

Logo

બુધવારે હૉકીમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનઃ નેધરલૅન્ડ્સના સ્ટેડિયમમાં 53 વર્ષે ફરી ટક્કર

Amstelveen   2026-08-18 19:30:26
Author: ajay
Article Image

ઍમ્સ્ટલ્વીનઃ નેધરલૅન્ડ્સના ઍમ્સ્ટલ્વીનમાં ચાલતા મેન્સ હૉકી (Hockey)ના વર્લ્ડ કપમાં ભારતનો બુધવાર, 19મી ઑગસ્ટે વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મુકાબલો(સાંજે 6.30 વાગ્યાથી) છે. વર્તમાન હૉકી વર્લ્ડ કપમાં ભારતે શનિવારની પ્રથમ મૅચમાં વેલ્સને 3-1થી હરાવ્યું ત્યાર બાદ સોમવારે ઇંગ્લૅન્ડ સામે ભારતનો 2-4થી પરાજય થયો હતો. પાકિસ્તાન (Pakistan)ની મેન્સ ટીમ ઇંગ્લૅન્ડ સામે 1-4થી હારીને ભારત સામે રમવા આવી રહી છે. પાકિસ્તાન 2018ની સાલ પછી પહેલી વખત વર્લ્ડ કપમાં રમી રહ્યું છે.

2030ની કૉમનવેલ્થ ગેમ્સના યજમાન અને 2036ની ઑલિમ્પિક ગેમ્સના સંભવિત હોસ્ટ ભારત (India) માટે ખેલકૂદમાં બુધવાર મહત્ત્વનો દિવસ છે, કારણકે ભારતીયો બે મોટા મુકાબલામાં જીત મેળવશે એવી પાકી સંભાવના છે. ગૉલમાં શ્રીલંકા સામે ભારતને સિરીઝની પ્રથમ ટેસ્ટ જીતવાની બહુ સારી તક છે, જ્યારે ઍમ્સ્ટલ્વીનમાં હરમનપ્રીત સિંહની ટીમને પાકિસ્તાન સામે જીતવાનો સારો મોકો છે.

બુધવારની ભારત-પાકિસ્તાન હૉકી મૅચ ઍમ્સ્ટલ્વીનના વાગ્નેર સ્ટેડિયમમાં રમાવાની છે. 1973ની 31મી ઑગસ્ટે (53 વર્ષ પહેલાં) આ જ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક હૉકી મુકાબલો થયો હતો. ભારતે ત્યારે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પાકિસ્તાનને 1-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

1973ના એ મુકાબલામાં ભારત વતી નિર્ણાયક ગોલ બી. પી. ગોવિંદાએ 62મી મિનિટમાં કર્યો હતો. એમ. પી. ગણેશ ત્યારે ભારતના કૅપ્ટન હતા અને તેઓ હાલમાં 80 વર્ષના છે. ભારતની આઝાદીના થોડા જ મહિના પહેલાં (જુલાઈ, 1946માં) જન્મેલા ગણેશે પીટીઆઇ સાથેની વાતચીતમાં એ મુકાબલાની યાદ તાજી કરતા જણાવ્યું, `વિદેશમાં ભારતની જે સૌથી ફિટ ટીમો રમી છે એમાંની એ એક ટીમ હતી જેણે પાકિસ્તાનને સેમિ ફાઇનલમાં નમાવ્યું હતું. સુરજિત બહુ સારા ફૉર્મમાં હતો અને એ વર્લ્ડ કપમાં તેણે કુલ નવ ગોલ કર્યા હતા. હું એ સેમિ ફાઇનલને ભારત-પાકિસ્તાન વચ્ચેના સૌથી વધુ રસાકસીભર્યા મુકાબલામાં ગણું છું. એ વર્લ્ડ કપની એ સર્વશ્રેષ્ઠ મૅચ હતી. ત્યારે બાંગ્લાદેશની આઝાદી માટેના ભારત-પાકિસ્તાન યુદ્ધને માંડ બે વર્ષ થયા હતા એટલે બન્ને વચ્ચેની એ સેમિ ફાઇનલ વધુ જોશ અને ઝનૂનથી રમાઈ હતી. એ અરસામાં અમે બન્ને ટીમના ખેલાડીઓએ એકમેકને ઔચચારિકતા ખાતર શુભેચ્છા નહોતી આપી. એ રફ ઍન્ડ ટફ મૅચમાં ભારત 1-0થી જીત્યું હતું. એ જ સ્ટેડિયમમાં પછીથી ફાઇનલ રમાઈ હતી જેમાં ભારત-નેધરલૅન્ડ્સે 2-2ની બરાબરી કરી ત્યાર બાદ નેધરલૅન્ડ્સની ટીમે પેનલ્ટી સ્ટ્રૉકની સિસ્ટમમાં 4-2થી વિજય મેળવ્યો હતો.'