મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે નવા નોટિફિકેશન દ્વારા મુખ્ય પ્રધાનની સત્તામાં વધારો કર્યો છે. હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ખાસ સંજોગોમાં રાજ્યના ગમે તે પ્રધાન ના નિર્ણયને પલટી શકશે. મહાયુતિ સરકારનું નેતૃત્વ કરી રહેલા ફડણવીસ વધુ શક્તિશાળી બનતા ગઠબંધનના દળો વચ્ચેના સંબંધો પર પણ અસર પડી શકે છે.
રાજ્ય સરકારે શુક્રવારે ‘મહારાષ્ટ્ર સરકારી કાર્યપદ્ધતિ નિયમ 2026’ની અધિસૂચના જાહેર કરી હતી. તે મુજબ સીએમ જાહેર હિતમાં કોઈપણ પ્રધાનના નિર્ણયમાં સીધી દરમિયાનગીરી કરી શકે છે અથવા તેને બદલી શકે છે.
અત્યાર સુધી કોઈ પ્રધાન દ્વારા લેવાયેલા નિર્ણયને બદલતી વખતે સીએમને લેખિતમાં નોટિસ આપવી પડતી હતી. દરેક વિભાગનું પ્રાથમિક કામ તે વિભાગના પ્રધાનની જવાબદારી ગણાતી હતી, પરંતુ નવા નિયમ મુજબ હવે સીએમ કોઈ પણ વિભાગના કાગળો માંગી શકશે. આવી સ્થિતિમાં મંત્રી અને વિભાગના સચિવે તે કાગળો સીએમને ઉપલબ્ધ કરાવવા ફરજિયાત રહેશે.
‘મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ રૂલ્સ ઓફ બિઝનેસ, 2026’માં કહેવામાં આવ્યું છે કે ક્વાસી-જ્યુડિશિયલ કેસો સિવાયના કોઈપણ મામલામાં સીએમ જાહેર હિતમાં લેખિતમાં કારણ આપીને કોઈ પણ મંત્રીના નિર્ણયને પલટી શકે છે.
નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વિભાગ ફાઇનાન્સ વિભાગની પૂર્વ મંજૂરી વિના એવો કોઈ ઓર્ડર જારી નહીં કરી શકે, જેમાં મહેસૂલમાં છૂટ આપવી, જમીન આપવી, ખનીજ કે વન અધિકારની લીઝ કે લાયસન્સ આપવાનો સમાવેશ થતો હોય.આ નિર્ણય રાજ્યના ચીફ સેક્રેટરી રાજેશ અગ્રવાલે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા લીધો છે.
હાલ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહાયુતિની સરકાર છે. સરકારમાં એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના અને સુનેત્રા પવારની આગેવાનીવાળી એનસીપી સામેલ છે. ભાજપ સૌથી મોટો પક્ષ છે, પરંતુ બહુમતથી થોડો દૂર છે.
નવા નિયમથી સીએમને વધુ કાનૂની અધિકાર મળતા આવનારા દિવસોમાં મહાયુતિના ઘટક દળોના સંબંધો પર અસર પડી શકે છે. ઘણીવાર ફાઈલો અટકવાના વિવાદ પણ ચર્ચામાં રહ્યા છે.
2023માં બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે ‘ચંદ્રપુર ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય’ કેસમાં જણાવ્યું હતું કે સીએમ પાસે રૂલ્સ ઓફ બિઝનેસ હેઠળ સંબંધિત ઈન્ચાર્જ મંત્રીના નિર્ણયની સમીક્ષા કે ફેરફાર કરવાની સ્વતંત્ર સત્તા નથી.
2022માં પણ એક કેસમાં તત્કાલીન સીએમ એકનાથ શિંદેએ ભાજપના તત્કાલીન કોઓપરેશન મિનિસ્ટરના ઓર્ડર પર રોક લગાવી હતી. તે સમયે કોર્ટે આ મુદ્દે ટિપ્પણી કરી હતી. 2026માં હવે આ જોગવાઈ બદલીને નવા નિયમ પ્રમાણે સીએમને પૂર્ણ સત્તા અપાઈ છે.