મુંબઈ: સમૃદ્ધિ એક્સપ્રેસવે પર સક્રિય 10થી 12 લૂંટારાઓની એક ટોળકીએ નાશિક જિલ્લામાં ગુરુવારની રાતે દિલધડક લૂંટ ચલાવી હતી. વકીલની કારને જબરદસ્તી રોક્યા પછી પરિવાર પર હુમલો કરી સોનાના દાગીના અને રોકડ મળી અંદાજે 18 લાખ રૂપિયાથી વધુની મતા લૂંટવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના સિન્નર તાલુકાના માલઢોણ શિવાર ખાતે બની હતી. રાજેન્દ્ર પ્રસાદ મિશ્રા (37) પત્ની, ભાઈ અને દોઢ વર્ષના દીકરા સાથે છત્રપતિ સંભાજીનગરથી કારમાં મુંબઈ આવવા નીકળ્યો હતો.
ઘટનાસ્થળે મિશ્રાની કાર પહોંચી ત્યારે લૂંટારુ ટોળકીએ લોખંડની વસ્તુ કારની આગળ ફેંકી હતી, જેને પગલે આગલું ટાયર ફાટી ગયું હતું. કાર ઊભી રહેતાં જ લૂંટારુઓ કારને ઘેરી વળ્યા હતા. મિશ્રા અને તેના પરિવાર પર હુમલો કરી આરોપીએ દીકરાને પતાવી નાખવાની ધમકી આપી હતી.
મિશ્રા પરિવારના 27 તોલા સોનાના દાગીના અને 84,500 રૂપિયા લૂંટી ટોળકી અંધારામાં છૂ થઈ ગઈ હતી.
આ જ ટોળકીએ બીજા વાહનના મુસાફરોને બામ્બુથી કથિત રીતે ફટકારીને રોકડની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી હતી. આ ટોળકીના સભ્યો હિન્દીમાં જ વાત કરતા હોવાનું ફરિયાદીનું કહેવું છે. લૂંટ મામલે ગુનો નોંધી વાઈ પોલીસે ટોળકીને ટ્રેસ કરવા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી.
(પીટીઆઈ)