Tue Sep 08 2026

Logo

આતમના અજવાળેઃ ચેતનાનો ઉન્મેષ ને ‘જીવંત પ્રકાશ’નાં સાધિકા: હિલ્ડેગાર્ડ ઓફ બિંગેન

2026-08-31 08:53:00
Author: Bhargav Thakar
આતમના અજવાળેઃ ચેતનાનો ઉન્મેષ ને ‘જીવંત પ્રકાશ’નાં સાધિકા: હિલ્ડેગાર્ડ ઓફ બિંગેન

ભાર્ગવ ઠાકર 


ચારે તરફ ભેજવાળી પથ્થરની દીવાલો અને શ્વાસ રૂંધી નાખતો ગાઢ અંધકાર. માત્ર આઠ વર્ષની એક કુમળી બાળકીને એક સાધ્વી સાથે આ ઓરડીમાં જીવતેજીવ ચણી દેવામાં આવે છે! તેને બહારની દુનિયા જોવાની પણ મનાઈ છે. આ કોઈ ભયાનક સજા નથી, પણ 12મી સદીના જર્મનીમાં ધર્મના નામે અપાયેલું ‘બલિદાન’ છે. 


પરિવારનું દસમું સંતાન હોવાથી તેને ઈશ્વરને અર્પણ કરી દેવાઈ હતી. પણ એ રૂઢિચુસ્ત પાદરીઓને ક્યાં ખબર હતી કે જે બાળકીને તેઓ અંધારામાં કેદ કરી રહ્યા છે, એના પોતાના જ શ્વાસમાં આખું બ્રહ્માંડ પ્રકાશ બનીને ધબકી રહ્યું છે!


આ બાળકી એટલે મધ્યયુગના યુરોપની (ઈ.સ. 1098-1179) સૌથી પ્રચંડ આધ્યાત્મિક ક્રાંતિ, રહસ્યવાદી સંત અને કવયિત્રી હિલ્ડેગાર્ડ ઓફ બિંગેન.


હિલ્ડેગાર્ડના જીવનની કથા કોઈ જાદુઈ નવલકથાનાં પાનાંઓની જેમ એક પછી એક ખૂલે છે. નાનપણથી જ તેમની આંખોમાં એક વિચિત્ર તેજ ઊતરતું, જેને તેઓ ‘જીવંત પ્રકાશ’ (The Living Light) કહેતાં. પણ એ કઠોર જમાનામાં જો કોઈ સ્ત્રી ઈશ્વર સાથે સીધો સંવાદ કરવાનો દાવો કરે, તો તેને દુષ્ટ આત્મા ગણીને જીવતી સળગાવી દેવામાં આવતી. એટલે ભયના માર્યા એ બાળકી 42 વર્ષની થઈ ત્યાં સુધી પોતાના હોંઠ સીવીને મૌન રહી. પણ જ્યારે નદીમાં પૂર આવે ત્યારે માટીના પાળા શું તેને રોકી શકે?


42 વર્ષની વયે તીવ્ર શિરોવેદનાથી કણસતી હિલ્ડેગાર્ડ જ્યારે ભયાનક બીમારીમાં પટકાઈ ત્યારે આકાશમાંથી જાણે વીજળી ત્રાટકી. એક દિવ્ય અવાજે તેના આત્માને ઢંઢોળ્યો:


‘હે નિર્બળ મનુષ્ય, તું જે જુએ છે એ બોલ, અને જે સાંભળે છે એ લખ!’
અને એ પછી, સદીઓથી દબાયેલી એક સ્ત્રીની કલમમાંથી બ્રહ્માંડનું જે સંગીત પ્રગટ્યું, તેણે આખા યુરોપના પાયા હચમચાવી દીધા. તેની કવિતા એ કોઈ શબ્દોની ગોઠવણ નહોતી, પણ આત્મામાં સીધો ઊતરતો ધોધ હતો.તેણે બ્રહ્માંડને એક નવા જ દ્રષ્ટિકોણથી જોયું અને ‘વિરિડિટાસ’(Viriditas) એટલે કે ‘આત્માના નવપલ્લવન’નો સિદ્ધાંત આપ્યો. તેના મતે ઈશ્વર કોઈ આકાશમાં બેઠેલો ક્રૂર ન્યાયાધીશ નથી, પણ એ ચેતના છે, એ લીલાશ છે જે વસંત બનીને સૃષ્ટિના કણેકણને ધબકતું રાખે છે. તે લખે છે:


‘હું આ સૃષ્ટિના મૂળમાં ફૂટતી પહેલી કૂંપળ છું, હું વહેતા જળનું ગાન છું, અને તારાઓમાં સળગતો અગ્નિ પણ હું જ છું. ઈશ્વરનો શ્વાસ મારામાં એવી રીતે વહે છે, જેમ પવનની લહેરથી પાંદડાંઓમાં સંગીત જન્મે છે.’


આ પંક્તિઓ વાંચતા જ આપણા રોમેરોમમાં એક રોમાંચ વ્યાપી જાય છે. કથા વધુ રસપ્રદ ત્યારે બને છે જ્યારે આપણે તેના સંગીતને સમજીએ છીએ. 


હિલ્ડેગાર્ડ માત્ર કવયિત્રી નહોતા, એક મહાન સંગીતકાર પણ હતા. તેમણે ‘ઓર્ડો વર્ચ્યુટમ’ (Ordo Virtutum - સદ્ગુણોની લીલા) નામનું એક અદ્ભુત ગીતિનાટક રચ્યું. આ નાટકમાં માનવ આત્મા અને દૈવી સદ્ગુણો અત્યંત મધુર અવાજમાં ગાય છે. પણ જ્યારે શેતાન (Devil) નું પાત્ર આવે છે, ત્યારે તે ગાઈ શકતો નથી! તે માત્ર કર્કશ અવાજમાં બરાડા પાડે છે. હિલ્ડેગાર્ડનો સંદેશ કેવો માર્મિક હતો:


‘શેતાન પાસે પોતાનું કોઈ સંગીત નથી, કારણ કે સંગીત એ ઈશ્વરની ભાષા છે. જ્યાં સંવાદિતા અને સૂર છે, ત્યાં અંધકાર ટકી જ શકતો નથી.’


હિલ્ડેગાર્ડની આ ઊર્જા માત્ર મઠની ચાર દીવાલો પૂરતી સીમિત નહોતી. કલ્પના કરો, 60 વર્ષની જૈફ વયે, જે કાળમાં સ્ત્રીઓને ચર્ચમાં બોલવાનો કે ઉપદેશ આપવાનો સખત પ્રતિબંધ હતો, ત્યારે આ જોગણે બીમારીઓ અને થાકને અવગણીને આખા જર્મનીમાં ચાર લાંબી ધર્મયાત્રાઓ (Preaching tours) ખેડી! ભ્રષ્ટ થઈ ચૂકેલા પાદરીઓથી લઈને જર્મન સમ્રાટ ફ્રેડરિક બાર્બરોસા જેવા શક્તિશાળી રાજાની આંખમાં આંખ નાખીને તેમણે ગર્જના કરી હતી કે, ‘તમારો અહંકાર છોડો, નહીંતર ઈશ્વરની તલવાર તમને વીંધી નાખશે!’ સત્તા અને ધર્મના અહંકારને પડકારતા તેમના આ અગ્નિસ્વરૂપ અને ઈશ્વરીય ઊર્જાનો પરિચય તેમની આ કવિતામાં સ્પષ્ટ દેખાય છે:


‘હે પવિત્ર આત્માના અગ્નિ! તું જ સર્વ જીવોનો પ્રાણ છે. તું વાદળોની પેલે પાર વિસ્તરેલો છે, છતાં પથ્થરોમાં પણ ધબકે છે! તું એ પવિત્ર મલમ છે જે ઘાયલ થયેલાને સાંધે છે... તારા જ પ્રકાશથી આ બ્રહ્માંડની પ્રત્યેક નસમાં જીવન વહે છે!’


પ્રકૃતિ અને પરમાત્માને એકાકાર કરતી આ જ દૃષ્ટિએ તેમને માત્ર સંત નહીં, પણ એક મહાન વનસ્પતિશાસ્ત્રી અને ચિકિત્સક પણ બનાવ્યા હતા. 


હિલ્ડેગાર્ડના વ્યક્તિત્વનો સૌથી તેજસ્વી અને માનવીય ઝબકારો તેના જીવનના અંતિમ ચરણમાં જોવા મળે છે. તે 80 વર્ષના થઈ ચૂક્યા હતા. એ સમયે તેના મઠના કબ્રસ્તાનમાં એક એવા યુવાન ઉમરાવને દફનાવવામાં આવ્યો, જેનો ચર્ચે બહિષ્કાર કર્યો હતો. ચર્ચના ઉચ્ચ સત્તાધીશોએ હુકમ કર્યો કે, ‘આ પાપીના શબને પવિત્ર જમીનમાંથી ખોદીને બહાર ફેંકી દો!’ પણ હિલ્ડેગાર્ડ માટીના નહીં, અગ્નિના બનેલા હતા. 


એંસી વર્ષના એ વૃદ્ધા લાકડીના ટેકે કબ્રસ્તાનમાં ગયા અને પ્રત્યેક કબર પરના બધા જ નિશાન ભૂંસી નાખ્યા! જ્યારે સૈનિકો આવ્યા ત્યારે તેમને એ યુવાન ઉમરાવની કબર મળી જ નહીં. તેમણે સત્તાધીશોને પડકારતાં પત્રમાં લખ્યું:


‘અંતિમ શ્વાસે ઈશ્વરે તેને માફ કરી દીધો હતો, તમારા બનાવેલા કાયદાઓ ઈશ્વરની કરુણાથી મોટા નથી. હું એ દેહનું અપમાન નહીં થવા દઉં.’


ગુસ્સે ભરાયેલા ચર્ચે સજા રૂપે તેના મઠમાં સંગીત ગાવા પર પ્રતિબંધ મૂકી દીધો. સંગીત વિનાના હિલ્ડેગાર્ડ એટલે પ્રાણ વિનાનો દેહ. છતાં એ ખુદ્દાર સ્ત્રી ઝૂક્યા નહીં, સત્તાધીશો સામે લડત આપી. છેવટે સત્તાને નમવું પડ્યું અને મઠમાં ફરીથી ઈશ્વરનું ગાન ગુંજી ઊઠ્યું.


17 સપ્ટેમ્બર, 1179 ની એ સંધ્યા... કહેવાય છે કે જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા, ત્યારે બિંગેનના આકાશમાં બે વિશાળ પ્રકાશના પુંજ છેદાઈને ક્રોસ આકારે ઝળહળી ઊઠ્યા હતા. જાણે અનંત વિસ્તરેલું આકાશ પોતાની આ લાડકી દીકરીને સન્માનપૂર્વક આવકારી રહ્યું હતું!


આજે આઠ સદીઓ વીતી ગઈ છે, પણ હિલ્ડેગાર્ડના શબ્દો આજે પણ કોઈ થાકેલા મુસાફરને શીતળ છાંયડો આપે છે. આજે, આધુનિક જીવનની દોડધામમાં જ્યારે રાતની નીરવ શાંતિમાં તમે ક્યારેય સાવ એકલા પડી જાવ, અને અંદરનો ખાલીપો તમને ખાવા દોડે... ત્યારે બસ થોડીવાર આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લેજો. એ ધવલ વસ્ત્રોમાં સજ્જ જોગણ સદીઓની પેલે પારથી તમારી પાસે આવીને ધીમેથી કહેશે:


‘દોસ્ત, અંધારાથી ડરતો નહીં... તારા વહેતા આંસુઓને રોકતો નહીં. કારણ કે એ જળથી જ તારા આત્માની હરિયાળી ફરી મહોરી ઊઠશે. તારી અંદર પણ એ જ જ્વલંત પ્રાણ ધબકી રહ્યો છે, જેણે આખા બ્રહ્માંડને રોશન કર્યું છે. બસ, તારી ભીતરના સંગીતને ઓળખ, કારણ કે તું પોતે જ ઈશ્વરનું એક જીવંત કાવ્ય છે!’