રસુવા અને નુવાકોટમાં પૂરે મચાવી તારાજી, 73,000થી વધુ જમા ખાતા જોખમમાં, 35 બેંક કર્મચારીઓ હજુ પણ લાપતા
કાઠમંડુંઃ નેપાળમાં વિનાશકારી પૂરે ચારેય બાજુ વિનાશ વેર્યો છે ત્યારે હવે આ પૂરના કારણે બેંકિંગ સિસ્ટમને ભારે ફટકો પડ્યો હોવાનું કહેવાય છે. ભોટેકોશી નદીમાં આવેલા પૂરના કારણે રસુવા અને નુવાકોટ જિલ્લામાં રહેતા લોકોને સીધી અસર પહોંચી છે. પૂરના કારણે જિલ્લાની 11 કમર્શિયલ બેંકની 17 બ્રાંચ નષ્ટ થઈ ગઈ છે. આ શાખાઓમાં આશરે 43.5 અબજ નેપાળી કરન્સી જે એક જમા રાશિ તરીકે હતી. 24.2 અબજ નેપાળી રૂપિયા લોન પેટે પડ્યા હતા. આ શાખા સાથે જોડાયેલા 73,275 જમા ખાતા અને 2125 લોન એકાઉન્ટ સામે હવે જોખમ ઊભું થયું છે.
જમારાશિની રકમ જાણવા મળી
પણ આનો અર્થ એવો બિલકુલ નથી કે 43.5 અબજ રૂપિયા પૂરમાં વહી ગયા. આ બ્રાંચમાં ગ્રાહકોની કુલ જમારાશિનો આંક છે. આ જ રીતે 24.2 અબજ રૂપિયા એવા ગ્રાહકોના છે જે લોન પેટે એકાઉન્ડ ધરાવે છે. હકીકતમાં કેટલી સંપત્તિનું નુકસાન, કેટલા ખાતાને નુકસાન અને ઓવરઓલ કેટલી તારાજી એ અંગે ક્યાસ લગાવવા કઠિન છે. કારણ કે, કાટમાળને કારણે સમગ્ર ઈમારત હોય કે જમીન એના પર સ્તર પડ્યા છે. લેયર ટુ લેયર જ્યારે એને ખસેડવામાં આવે ત્યારે હકીકત સામે આવી શકે છે. પૂરના કારણે રસુવા અને તેની આસપાસના વિસ્તારમાં અનેક જળવિદ્યુત યોજનાને પણ નુકસાન થયું છે. એવું કહેવામાં આવે છે કે, અહીંયાથી જ સમગ્ર જિલ્લાઓને વીજપુરવઠો મળતો હતો. આવી યોજનામાં કોઈ એક બેંક નહીં અનેક એવી બેંકનો ભાગ હતો. સામાન્ય રીતે જ્યારે યોજના મોટી હોય એવા સમયે એકથી વધારે બેંક રોકાણ તરીકે પૈસા આપે છે. લોન પેટે પૈસા રોકે છે. એ માટે ખાસ એકાઉન્ટ બનાવવામાં આવે છે.
તંત્રની આ પ્રાથમિકતા
યોજનામાં પૈસા રોકાયેલા હોવા છતા પણ આ રકમનો અંદાજો સ્થાનિક શાકાઓમાં જમારાશિમાં સામેલ નથી. માત્ર રકમની વાત નથી. સોનું, ચાંદી, લોકર, જરૂરી દસ્તાવેજ, લોકોના ડૉક્યુમેન્ટને પણ ગણી ન શકાય એવું નુકસાન થયું છે. તંત્રની પહેલી પ્રાથમિકતા એવા કર્મચારીઓને શોધવાની છે જેનો પૂર બાદ કોઈ રીતે સંપર્ક થઈ શક્યો નથી.
નેપાળ રાષ્ટ્ર બેંકે એક પરિપત્ર જાહેર કરીને નાણાકીય સંસ્થાઓ પાસેથી વિગતવાર કર્મચારીઓ અને સંપત્તિઓની યાદી માગી છે જેમાં તબક્કાવાર નુકસાન અંગેની વિગત સ્પષ્ટ હોય. રાષ્ટ્રબેંકના પ્રવક્તા ગુરૂ પ્રસાદ પૌડેલે જણાવ્યું હતું કે, માનવીય નુકસાનની સાથે આર્થિક અને આંતરમાળખાકીય નુકસાન પણ એટલું જ વધારે છે. આનો આખો આંકડો રજૂ કરવો ખૂબ જ મુશ્કેલ છે. સ્થાનિક રીતે જે બન્યું છે ત્યાંના લોકો પણ આ અંગે ખાસ કોઈ વિગત આપી શકે એમ નથી.
યાદી તૈયાર કરવામાં આવશે
હાલમાં જે તે નજીકની બ્રાંચમાં સેવ કરેલી કેશ, સામાન, જમારાશિ અને લોનના આધાર પર શરૂઆતના નુકસાન અંગે માત્ર પ્રાથમિક જાણકારી મેળવી શકાય એમ છે. એકથી બે દિવસ આ માટે લાગી શકે છે. એકવાર રિપોર્ટ તૈયાર થયા બાદ એક યાદી તૈયાર કરીને પછીના પગલાં લેવામાં આવશે.
રોકાણ, લોન, બ્રાંચમાં રહેલી કેશ અને અન્ય ખાતાકીય વિગત મંગાવવામાં આવી છે. આ તમામ પ્રકારનો ડેટા મળ્યા બાદ એક યાદી તૈયાર કરાશે અને પછી યોગ્ય નિર્ણય લેવાશે. રસુવાના તિમુરે વિસ્તારમાં આવેલા પૂરમાં બેંકની અનેક શાખાને નુકસાન થયું છે આ સાથે બેંકમાં રાખવામાં આવેલા અનેક નાના-મોટા લોકર પણ પૂરમાં વહી ગયા છે.
સોશિયલ મીડિયા પર દાવા
સોશિયલ મીડિયા પર દાવા થઈ રહ્યા છે કે, બેંકની તિજોરી મળી છે પણ ક્ઈ બેંક સાથે એ છે એ અંગે જાણી શકાય એમ નથી. પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રએ આ અંગે ખાસ કોઈ વિગત જાહેર કરી નથી.
બેંકના અધિકારીઓના રિપોર્ટ અનુસાર એક તિજોરીમાં આશરે 12.5 કરોડ કેશ હતા. તિજોરી તોડીને લોકોએ પૈસા કાઢી લીધાની વાત સામે આવી રહી છે. આ કેસમાં પોલીસે 29 લોકોની ધરપકડ કરી છે. એની પાસેથી 92,68,505 નેપાળી રૂપિયા જપ્ત કરાયા છે. હજુ 35 બેંક કર્મચારીઓ લાપતા થયા છે. તંત્ર તરફથી સર્ચ ઑપરેશન દરમિયાન આ કર્મચારીઓની ભાળ મળે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.