(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઑગસ્ટ મહિનો સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં મુંબઈના સૌથી ભીના મહિનાઓમાંનો એક ગણાય છે પણ આ વર્ષે અસામાન્ય રીતે આ મહિનામાં ઓછો વરસાદ પડયો છે. મુંબઈ શહેરમાં છેલ્લા એક દાયકામાં ઑગસ્ટમાં ત્રીજો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
મુંબઈમાં જુલાઈ મહિનામાં મુશળધાર વરસાદ પડયો હતો, જે લગભગ છેલ્લા એક દાયકામાં જુલાઈનો ચોથો સૌથી વધુ વરસાદ હતો. એ બાદ ઑગસ્ટ મહિનામાં વરસાદનું પ્રમાણ મામૂલી માત્રામાં રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાંતાક્રુઝ વેધશાળામાં પહેલી ઑગસ્ટથી ૩૦ ઑગસ્ટ દરમ્યાન ૩૧૫.૩ મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેમાં છેલ્લા દાયકામાં ફક્ત બે વખત ઑગસ્ટમાં ઓછો વરસાદ નોંધાયો છે. અગાઉ ૨૦૨૩ની સાલમાં ૧૭૭.૨ મિલીમીટર અને ૨૦૧૮માં ૨૩૫.૨ મિ.મી. વરસાદ પડયો હતો.
દક્ષિણ મુંબઈમાં પણ આ જ પેટર્ન જોવા મળી હતી. ભારતીય હવામાન વિભાગની કોલાબા વેધશાળામાં આ જ સમયગાળા દરમ્યાન ૧૬૪.૪ મિ.મી. વરસાદ નોંધાયો છે, જે વેધશાળામાં એક દાયકામાં ઑગસ્ટમાં ત્રીજો નંબરે સૌથી ઓછો વરસાદ રહ્યો છે. કોલાબામાં ઑગસ્ટ ૨૦૨૩માં ૧૧૧.૫ મિ.મી. અને ઑગસ્ટ ૨૦૧૮માં ૧૮૮.૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ કોલાબા અને સાંતાક્રુઝમાં ઑગસ્ટ મહિનામાં સામાન્ય રીતે અનુક્રમે ૪૮૨.૧ મિ.મી. અને ૫૬૬.૪ મીટર સરેરાશ વરસાદ પડતો હોય છે પણ આ વર્ષે ઑગસ્ટમાં પડેલો વરસાદ તેના સરેરાશ આંકડાને પણ પાર કરી શકયો નથી. તેની સામે આ વર્ષે જુલાઈમાં કોલાબામાં ૧,૧૭૬.૫ મિ.મી. વરસાદ પડ્યો હતો તો સાંતાક્રુઝમાં ૧,૪૯૧.૯ મિ.મી. વરસાદ પડયો હતો.
મુંબઈમાં સામાન્ય રીતે ૧૦થી ૧૧ જૂનની આસપાસ નૈર્ઋત્યના ચોમાસાનું આગમન થાય છે, જેમાં જૂન મહિનામાં સાધારણ વરસાદ પડે છે પણ જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડતો હોય છે. એ બાદ સપ્ટેમ્બરમાં વરસાદનું જોર થોડું હળવું થઈ જતું હોય છે પણ આ વર્ષે ‘અલ-નિનો’ની અસર હેઠળ ચોમાસું લંબાઈ જવાની સાથે જ નબળા ચોમાસાની આગાહી કરવામાં આવી હતી. એ મુજબ મુંબઈમાં ચોમાસાનું આગમન મોડેથી એટલે કે પચ્ચીસ જૂનના થયું હતું. એ બાદ જૂનમાં છૂટાછવાયો વરસાદ રહ્યો હતો અને ચોમાસાનું ખરું જોર જુલાઈ મહિનામાં રહ્યું હતું. જુલાઈ મહિનામાં મુશળધાર વરસાદ પડયા બાદ ઑગસ્ટમાં શરૂઆતના દિવસોને બાદ કરતા લગભગ આખો મહિનો કોરો જ રહ્યો છે. હવે જોકે સપ્ટેમ્બરમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ પડવાની શકયતા છે.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થયો છે. તેથી રાજ્યમાં ચોમાસાને ફરી સક્રિય થવા માટે પોષક વાતાવરણ નિર્માણ થયું છે. ૩૦ ઑગસ્ટથી મુંબઈ સહિત પાલધર, થાણે સહિત કોંકણ જિલ્લામાં મધ્યમ સ્વરૂપના વરસાદની શકયતા છે.
ઑગસ્ટમાં વરસાદ કેમ ઓછો પડ્યો?
હવામાનના નિષ્ણાતના કહેવા મુજબ જુલાઈ અને ઑગસ્ટ વચ્ચેના વિરોધાભાસી વરસાદના દાખલા મોટાભાગે પ્રદેશ પર બદલાતા સિનોપ્ટિક સેટઅપને કારણે હતા. જુલાઈ દરમ્યાન ચોમાસાની અનેક સિસ્ટમ પશ્ર્ચિમ તરફ પ્રસરી હતી અને મહારાષ્ટ્ર પર વારંવાર ચોમાસાના પ્રવાહને મજબૂત બનાવ્યો હતો. આનાથી પશ્ર્ચિમ કિનારા તરફ મજબૂત ભેજ નિર્માણ થયા હતો, ટ્રફ નિર્માણ થયા અને મુંબઈ મેટ્રો પોલિટન રિજનમાં તીવ્ર વરસાદ પડ્યો હતો. જોકે, ઑગસ્ટમાં તદ્ન અલગ ચિત્ર જોવા મળ્યું હતું. ઉત્તર-પશ્ર્ચિમ અને નજીકના મધ્ય-પૂર્વ પ્રદેશમાંથી સતત સૂકી હવાના ઘૂસણખોરીને કારણે બંગાળની ખાડીની સિસ્ટમને પશ્ર્ચિમ તરફ નોંધપાત્ર પ્રગતિ કરવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો અને તેને કારણે વરસાદ પડવા માટે વાતાવરણમાં પૂરતા ભેજનો અભાવ રહ્યો હતો.
પાણીની ચિંતા મટી
ઑગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડ્યો નહતો, જેના પરિણામે પ્રમાણમાં શુષ્ક મહિનો રહ્યો હતો. સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો હોવા છતાં, પાણી પુરવઠાને લઈને મુંબઈગરાની ચિંતા હળવી થઈ છે. મુંબઈને પાણી પૂરું પાડતા તળાવો હાલમાં તેમના કુલ ઉપયોગી પાણીના સ્ટોકના લગભગ ૯૬ ટકા જેટલું પાણી ધરાવે છે. ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો હોવા છતાં આગામી દિવસોમાં જળાશયો ભરાઈ જશે એવો પાલિકાને વિશ્ર્વાસ છે, છતાં પાલિકાએ હાલ પૂરતો ૧૦ ટકા પાણીકાપ ચાલુ રાખ્યો છે. તહેવારોની મોસમ ચાલી રહી હોઈ ગણેશોત્સવ દરમ્યાન પાણીકાપ પાછો ખેેંચાવાની શકયતા નગરસેવકોએ વ્યક્ત કરી હતી.