Sun Sep 13 2026

Logo

નવી મુંબઈમાં હજારો એસઆઈઆર ફૉર્મ્સની ફોટોકૉપી મળતાં પાંચ બીએલઓ સસ્પેન્ડ

2026-08-29 16:59:36
Author: Yogesh C. Patel
નવી મુંબઈમાં હજારો એસઆઈઆર ફૉર્મ્સની ફોટોકૉપી મળતાં પાંચ બીએલઓ સસ્પેન્ડ

પ્રતીકાત્મક તસવીર


થાણે: નવી મુંબઈની દુકાનમાંથી મતદારોની વિગતોવાળાં 3,000થી વધુ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) ફૉર્મ્સની ફોટોકૉપી કરાવતી વખતે ભાજપનો પદાધિકારી પકડાયા બાદ પાંચ બૂથ-લેવલ ઑફિસર (બીએલઓ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.ખારઘરની એક દુકાનમાં શિવસેના (યુબીટી)ના સ્થાનિક નેતાએ ભારતીય જનતા યુવા મોરચાના પદાધિકારી સૂરજ પાટીલને પનવેલ વિધાનસભા મતવિસ્તારના 3,404 એસઆઈઆર ફૉર્મ્સ સાથે પકડી પાડ્યા પછી આ મામલો સામે આવ્યો હતો.

આ અંગે પ્રશાસનને જાણ કરવામાં આવતાં મહેસૂલ અધિકારીઓએ જપ્ત દસ્તાવેજોની તપાસ કરી હતી. બાદમાં નાયબ તહેસીલદાર દ્વારા કરાયેલી ફરિયાદને આધારે પોલીસે પાટીલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.જિલ્લા સ્તરના અધિકારીના જણાવ્યા અનુસાર જપ્ત દસ્તાવેજોમાં 188 પનવેલ વિધાનસભા મતવિસ્તારનાં અધિકૃત એસઆઈઆર ફૉર્મ્સનો સમાવેશ થાય છે, જેમાં મતદારોના ફોટા, અંગત વિગતો અને બીએલઓની સહી હતી.

અમારા અધિકારીઓએ દસ્તાવેજોની ચકાસણી કરી છે અને એવું જણાયું છે કે દેખીતી રીતે જ તે ઑરિજિનલ છે અને તેને સાચવવાની જવાબદારી બીએલઓની છે. તેથી અમે તે વિસ્તારના પાંચ બીએલઓને સસ્પેન્ડ કરી દીધા છે, એવું રાયગડના કલેક્ટરે જણાવ્યું હતું.આ મામલે ખારઘર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને રિપ્રેઝન્ટેશન ઑફ ધ પિપલ ઍક્ટ હેઠળ પાટીલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પાટીલને તાબામાં લેવાયો હતો. સ્ટાન્ડર્ડ લીગલ પ્રોસિઝર અનુસાર નોટિસ આપીને તેને છોડી મુકાયો હતો, એવું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)