મુંબઈ: કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) મુંબઈ એરપોર્ટ પર 87 લાખ રૂપિયાનો ગાંજો પકડી પાડીને અંધેરીની યુવતી અને ઉત્તર પ્રદેશની મહિલાની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એઆઇયુના અધિકારીઓએ રવિવારે અંધેરીની આસિયા હનીફ મેમણ અને ઉત્તર પ્રદેશના સંભલ ખાતે રહેતી મંજુ દેવીની ધરપકડ કરી હતી. બંનેના વકીલ તરીકે આશિષ સિંહ અને બિરેન્દ્ર યાદવ કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે દલીલ કરી હતી. કોર્ટે બંનેને જુડિશિયલ કસ્ટડી ફટકારી હતી, એમ તેમના વકીલે જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આસિયા મેમણ અને મંજુ દેવી શનિવારે રાતના બેંગકોકથી ફ્લાઇટમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી હતી અને શંકાને આધારે તેમને આંતરવામાં આવી હતી. બંનેના સામાનની તલાશી લેવામાં આવતાં બેગમાંથી વેક્યુમ-સીલ્ડ પેકેટ્સ મળી આવ્યાં હતાં, જેમાં ગાંજો છુપાવાયો હતો.
પૂછપરછમાં મંજુ દેવીએ જણાવ્યું હતું કે તે આસિયાને ઓળખે છે અને તે તેની પુત્રીની બહેનપણી છે. આથી બંને જણ સાથે 26 ઑગસ્ટે મુંબઇથી બેંગકોક ગઇ હતી અને 29 ઑગસ્ટે રાતે મુંબઈ પાછી ફરી હતી. બંને વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.