Mon Sep 07 2026

Logo

સિંહ દર્શન મોંઘા બનશે: ગીર નેશનલ પાર્કમાં સફારી પરમિટ ફીમાં થઈ શકે છે તોતિંગ વધારો

2026-08-31 08:30:00
Author: Mayur Patel
સિંહ દર્શન મોંઘા બનશે: ગીર નેશનલ પાર્કમાં સફારી પરમિટ ફીમાં થઈ શકે છે તોતિંગ વધારો

અમદાવાદઃ હાલ સિંહોનું વેકેશન ચાલી રહ્યું છે. દિવાળી પહેલા ગીર સફારી પાર્ક ફરીથી ખુલ્લો મુકાશે. જોકે આ વખતે ગીર સફારી મોંઘી બની શકે છે.  11 વર્ષ બાદ વન વિભાગ ફી વધારવાની તૈયારીમાં છે. પરમિટ ચાર્જમાં બમણો વધારો થઈ શકે છે. રાજ્યના વન વિભાગે આગામી પ્રવાસી સીઝનથી પરમિટ ફીમાં મોટો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરખાસ્ત હાલ આખરી તબક્કામાં છે. 

11 વર્ષ બાદ વધી શકે છે ભાવ

11 વર્ષ બાદ આ વધારો સૂચવવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ પ્રવાસીઓની સતત વધતી સંખ્યા વચ્ચે આવકમાં વધારો કરવાનો છે. આખરી નિર્ણય લેતા પહેલા વન વિભાગ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સફારી ફી માળખાનો પણ અભ્યાસ કરી રહ્યું છે. એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગીર ચોમાસા દરમિયાન બંધ રહે છે. 15 જૂને પૂરી થયેલી સફારી સીઝન હવે ચોમાસાના વિરામ બાદ 16 ઓક્ટોબરથી ફરી શરૂ થવાની છે.

કેટલી થઈ શકે છે પરમિટ ફી

સૂત્રો મુજબ  6-સીટર સફારી માટેની ઓનલાઇન પરમિટ ફી  રૂ. 800 થી વધીને આશરે રૂ1,800 થઈ શકે છે. વિદેશી પ્રવાસીઓ માટે પરમિટ ફી 80 ડૉલર (આશરે રૂ. 7,600) થી વધારીને 125 ડૉલર (આશરે રૂ. 11,800) કરવાનો પ્રસ્તાવ છે. પરમિટ એ સફારીના કુલ ખર્ચનો માત્ર એક ભાગ છે. હાલમાં પ્રવાસીઓ ગાઇડ માટે વધારાના રૂ. 400 અને સફારી વાહન માટે આશરે રૂ. 6,200 ચૂકવે છે.

તત્કાલ અને પ્રીમિયમ પરમિટ પણ મળશે

વન વિભાગ પ્રાયોગિક ધોરણે 8-સીટર વાહનોને મંજૂરી આપવા પર પણ વિચાર કરી રહ્યું છે. આ વાહનો શેરિંગ મોડેલ પર ચાલી શકે છે, જેમાં બે કે ત્રણ જૂથો સાથે મુસાફરી કરી શકશે. આવા વાહનો માટેની પરમિટનો ખર્ચ રૂ. 2,000 થી વધુ થવાની ધારણા છે. સૂત્રોએ જણાવ્યું કે, આ વ્યવસ્થા ચાલુ રાખવી કે નહીં તેનો આધાર પ્રવાસીઓના પ્રતિસાદ અને ઓપરેશનલ બાબતો પર રહેશે. આ ઉપરાંત તત્કાલ અને પ્રીમિયમ પરમિટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ચાર્જ રૂય 20,000 થી વધુ શરૂ થવાની શક્યતા છે.

બર્ડવોચિંગ સહિત 6 કલાકની મોર્નિંગ સફારી

જંગલમાં વધુ સમય વિતાવવા માંગતા પ્રવાસીઓ માટે બર્ડવોચિંગ સહિત 6 કલાકની મોર્નિંગ સફારી રૂ. 50,000 થી વધુ ફી સાથે પ્રસ્તાવિત કરવામાં આવી છે. આ પેકેજ પ્રથમ વખત રજૂ કરવામાં આવશે. આવું જ એક પેકેજ દેવળિયા સફારી પાર્ક માટે પણ પ્રસ્તાવિત છે, જેમાં એસી બસ રાઈડ, ટ્રેકિંગ અને બર્ડવોચિંગનો સમાવેશ થશે અને તેનો ખર્ચ પ્રતિ વ્યક્તિ રૂ. 1500 રહેવાની ધારણા છે.

પ્રવાસીઓ માટે રાહતના એક સમાચાર એ છે કે વન વિભાગે વ્યક્તિગત કેમેરા માટેનો અલગ ચાર્જ નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હાલમાં કેમેરા દીઠ રૂ. 200 ફી લેવામાં આવે છે, પરંતુ અધિકારીઓના મતે હવે મોટાભાગના લોકો મોબાઈલ કેમેરા વાપરતા હોવાથી બહુ ઓછા પ્રવાસીઓ પ્રોફેશનલ સાધનો સાથે લાવે છે.

જોકે, કોમર્શિયલ શૂટિંગ વધુ મોંઘું થવાની શક્યતા છે. વાઇલ્ડલાઇફ ડોક્યુમેન્ટ્રી, ફીચર ફિલ્મો અને ટીવી સીરિયલ્સના શૂટિંગ માટે હાલના દરો કરતાં આશરે 40 ટકા વધુ ફી લેવામાં આવી શકે છે. પ્રવાસીઓ માટે સિંહ દર્શનમાં ટૂંક સમયમાં નવા વિકલ્પો મળશે, પરંતુ તેના માટે ખિસ્સું વધુ હળવું કરવું પડશે.

વર્ષ 2025માં યોજાયેલી 16મી સિંહ વસ્તી ગણતરી  મુજબ, ગુજરાતમાં અત્યારે 891 એશિયાટિક સિંહો છે. ગીર કરતાં સિંહોની સૌથી વધુ સંખ્યા અમરેલીમાં નોંધાઈ હતી.